મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ નર્મદા પરિક્રમા કરવા ગુજરાતમાં પ્રવેશ્યા, ઠેર ઠેર અન્નક્ષેત્રો અને સદાવ્રતો શરૂ થતાં સેવાભાવી લોકો બન્યા યાત્રાળુઓની સેવામાં
નર્મદા: નર્મદા મૈયાની ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક ગણાતી પવિત્ર નર્મદા પરિક્રમાનો માહોલ ફરી એકવાર નર્મદા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. ચાતુર્માસ પૂર્ણ થતાં જ પરિક્રમાવાસીઓએ પોતાની અધૂરી યાત્રાને આગળ ધપાવવાનું શરૂ કર્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે. પરિક્રમાવાસીઓના મુખેથી ગુંજતા ‘નર્મદે હર… નર્મદે હર…’ના નાદથી નર્મદા નદીના કિનારાઓ સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફથી આવતા પરિક્રમાવાસીઓ સાગબારા, સેલંબા થઈને દેડિયાપાડા પહોંચી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર તરફથી આવતા કેટલાક શ્રદ્ધાળુઓ દેડિયાપાડા તાલુકાના ડુમખલ માર્ગે ગુજરાતમાં પ્રવેશીને નર્મદા નદીના કિનારે પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પગપાળા જતા પરિક્રમાવાસીઓના દર્શન થઈ રહ્યા છે.
પરિક્રમાવાસીઓની સેવા માટે ઠેર ઠેર અન્નક્ષેત્રો શરૂ
નર્મદા પરિક્રમામાં નીકળેલા શ્રદ્ધાળુઓની સેવા માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ અન્નક્ષેત્રો અને સદાવ્રતો શરૂ કરવામાં આવ્યાં છે. સાગબારા, દેડિયાપાડા, નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં સેવાભાવી લોકો, સંસ્થાઓ અને ભક્તો દ્વારા ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પરિક્રમાવાસીઓ આ અન્નક્ષેત્રોનો લાભ લઈને ભોજન-પ્રસાદ ગ્રહણ કરી પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. નર્મદા મૈયાની ભક્તિની સાથે તેમના ભક્તોની સેવા કરવાનો પણ એક અનોખો સેવાયજ્ઞ શરૂ થયો છે.
નર્મદા પરિક્રમાના બે પ્રકાર : એકહરી અને દોહરી પરિક્રમા
નર્મદા પરિક્રમા મુખ્યત્વે એકહરી અને દોહરી એમ બે પ્રકારની હોય છે.
એકહરી પરિક્રમા: મધ્યપ્રદેશના અમરકંટક ખાતે નર્મદા નદીના ઉદ્ગમસ્થાનેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. પરિક્રમાવાસીઓ નદીના એક કિનારે ચાલીને ભરૂચ સુધી પહોંચે છે અને ત્યારબાદ સામેના કિનારેથી પરત ફરી અમરકંટક પહોંચે છે. આ યાત્રાને એકહરી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે.
દોહરી પરિક્રમા: આ પરિક્રમામાં અમરકંટકથી પ્રારંભ કરીને નર્મદા નદીના એક કિનારે ભરૂચ સુધી પહોંચવામાં આવે છે. ત્યારબાદ જે કિનારેથી આવ્યા હોય તે જ કિનારે અમરકંટક પરત ફરી સામેના કિનારેથી ફરી ભરૂચ સુધીની યાત્રા કરવામાં આવે છે અને ત્યાંથી અમરકંટક પરત ફરવામાં આવે છે. આ સમગ્ર યાત્રા પૂર્ણ કરવામાં અંદાજે બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
નિયમ, સંયમ અને ત્યાગ સાથે જોડાયેલી કઠિન સાધના
નર્મદા પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ, ત્યાગ અને સાધનાનું પ્રતીક છે. પરિક્રમાવાસીઓ યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક નિયમોનું પાલન કરે છે. સામાન્ય રીતે દિવસમાં એક જ વખત ભોજન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને નર્મદા મૈયા પ્રત્યે અખંડ શ્રદ્ધા જાળવી રાખવી જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે.
ચાતુર્માસ દરમિયાન પરિક્રમાવાસીઓ નર્મદા નદીના કિનારે એક જ સ્થળે ચાર મહિના સુધી રોકાઈને ભજન, કીર્તન અને સાધના કરે છે. પરિક્રમાની પરંપરામાં નર્મદા નદી ઓળંગવામાં આવતી નથી અને નદીના કિનારાને અનુસરીને જ યાત્રા પૂર્ણ કરવામાં આવે છે.
નર્મદે હરનાં નાદ સાથે ભક્તિ અને સેવાથી પવિત્ર બન્યો નર્મદા જિલ્લો
હાલમાં દેડિયાપાડા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં પરિક્રમાવાસીઓનું આગમન થતાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ પગપાળા યાત્રા કરતા શ્રદ્ધાળુઓના મુખેથી ‘નર્મદે હર’ના નાદ ગુંજી રહ્યા છે, તો બીજી તરફ સેવાભાવી લોકો અન્નક્ષેત્રો અને સદાવ્રતો દ્વારા યાત્રાળુઓની સેવા કરી રહ્યા છે. આમ, નર્મદા પરિક્રમાના પુનઃપ્રારંભ સાથે નર્મદા જિલ્લામાં ભક્તિ, આસ્થા અને માનવસેવાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
