નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી રવિવાર, ૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના જીવનના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા છે. આ વિશેષ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ એક ભાવનાત્મક લેખ દ્વારા ભારતીય રાજકારણ અને દેશના વિકાસમાં અડવાણીના ઐતિહાસિક યોગદાનને યાદ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ અડવાણી સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમને હંમેશાં અડવાણીજીનો સ્નેહ, સાથ અને માર્ગદર્શન મળ્યું છે. તેમની સાથે વિતાવેલી અનેક યાદગાર ક્ષણો આજે પણ મનમાં જીવંત છે. આ પ્રસંગ તેમના માટે માત્ર શુભેચ્છાઓ પાઠવવાનો નહીં, પરંતુ એક વરિષ્ઠ નેતાના અસાધારણ જીવન અને સંઘર્ષને યાદ કરવાનો અવસર છે.
વિભાજનની પીડાથી રાષ્ટ્રીય રાજકારણના શિખર સુધીની સફર
પીએમ મોદીએ પોતાના લેખમાં અડવાણીના જીવનના વિવિધ સંઘર્ષોનો ઉલ્લેખ કર્યો હતો. વર્ષ ૧૯૪૭માં ભારતના વિભાજન દરમિયાન તેમણે અનુભવેલી પીડા અને ત્યારબાદ શૂન્યમાંથી જીવનની નવી શરૂઆત કરવા માટે કરેલા સંઘર્ષને યાદ કર્યો હતો. જનસંઘને મજબૂત બનાવવાથી લઈને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને પક્ષને રાષ્ટ્રીય સ્તરે સ્થાપિત કરવામાં અડવાણીની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
દેશમાં કટોકટી દરમિયાન લોકશાહીની રક્ષા માટે અડવાણીએ આપેલા યોગદાનને પણ વડાપ્રધાને વિશેષ રીતે યાદ કર્યું હતું. તેમના મતે, લોકશાહી મૂલ્યો અને વૈચારિક પ્રતિબદ્ધતા પ્રત્યેની અડવાણીની નિષ્ઠા ભારતીય રાજકીય ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
રામ રથયાત્રાને ગણાવ્યો રાજકીય સફરનો ઐતિહાસિક અધ્યાય
અડવાણીની રાજકીય કારકિર્દીની વાત કરતાં વડાપ્રધાન મોદીએ સોમનાથથી અયોધ્યા સુધી નીકળેલી ઐતિહાસિક રામ રથયાત્રાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ યાત્રાને તેમની રાજકીય સફરનો મહત્ત્વપૂર્ણ અધ્યાય ગણાવતાં મોદીએ જણાવ્યું હતું કે તેમને પણ આ યાત્રાની કલ્પના અને આયોજનથી લઈને તેની તૈયારીઓ સુધીની પ્રક્રિયામાં યોગદાન આપવાની તક મળી હતી.
અટલ-અડવાણીની જોડી ભારતીય રાજકારણનું અનોખું ઉદાહરણ
વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેના દાયકાઓ જૂના સંબંધોને પણ યાદ કર્યા હતા. બંને નેતાઓ વચ્ચેનો પરસ્પર વિશ્વાસ, આદર અને રાજકીય સમન્વય ભારતીય રાજકારણમાં એક અનોખું ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું હતું.
અડવાણીની વૈચારિક સ્પષ્ટતા, સાદગી, ગહન અભ્યાસ અને સિદ્ધાંતો પ્રત્યેની અડગ નિષ્ઠાની પણ મોદીએ પ્રશંસા કરી હતી. દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે આતંકવાદ સામે કડક વલણ અપનાવવા તેમજ રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં અડવાણીનું યોગદાન નોંધપાત્ર રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ભારત રત્નથી કરાયા સન્માનિત
દેશ અને સમાજ માટેના તેમના લાંબા સમયના યોગદાનને બિરદાવતાં વર્ષ ૨૦૨૪માં લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમના જાહેર જીવનની લાંબી અને મહત્ત્વપૂર્ણ સફરની રાષ્ટ્રીય સ્તરે થયેલી કદર સમાન છે.
અંતમાં વડાપ્રધાન મોદીએ અડવાણીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અડવાણીનું પ્રેરણાદાયી જીવન, વિચારો અને રાષ્ટ્રસેવાના મૂલ્યો આવનારી અનેક પેઢીઓ માટે માર્ગદર્શક બની રહેશે.
