સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે ટ્રેનને બનાવી નિશાન; RPF અને રેલવે વિભાગે તપાસ શરૂ કરી
સુરત નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે સચિન રેલવે સ્ટેશન નજીક સુરતથી નવસારી તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતાં ટ્રેનના કોચની બારીનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, વંદે ભારત ટ્રેન સુરતથી નવસારી તરફ જઈ રહી હતી ત્યારે સચિન રેલવે સ્ટેશન નજીક કોઈ અજાણ્યા વ્યક્તિએ ટ્રેનને નિશાન બનાવી પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો કોચની બારીના કાચ સાથે અથડાતાં કાચ તૂટી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી નથી.
ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમે તપાસ શરૂ કરી છે. ટ્રેન પર પથ્થર ફેંકનાર શખ્સ કોણ હતો અને કયા કારણોસર આ કૃત્ય કરવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.
વંદે ભારત ટ્રેન જ વારંવાર કેમ બને છે નિશાન?
સુરત અને આસપાસના વિસ્તારમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ વારંવાર સામે આવતાં મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ટ્રેનની બારીઓના કાચને નુકસાન થવાથી મુસાફરોને જોખમ ઊભું થઈ શકે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે રેલવે તંત્ર દ્વારા વધુ સતર્કતા અને કડક કાર્યવાહી જરૂરી બની છે.
હવે જોવાનું એ રહેશે કે RPFની તપાસમાં પથ્થરમારો કરનાર શખ્સની ઓળખ ક્યારે થાય છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે રેલવે તંત્ર શું પગલાં ભરે છે.
