અમદાવાદ: શહેરીજનો અને પ્રવાસીઓ માટે નવા વર્ષની શરૂઆતમાં જ રંગબેરંગી પુષ્પોની દુનિયાનો નજારો માણવાની તક મળશે. દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષતો અમદાવાદ ફ્લાવર શો 2027 આગામી 1 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી યોજાશે. આ વખતે ફ્લાવર શોને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે. જોકે, મુલાકાતીઓએ આ વખતે પ્રવેશ માટે વધુ ટિકિટ ચૂકવવી પડશે, કારણ કે તંત્ર દ્વારા એન્ટ્રી ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય દિવસોમાં રૂ. 100 અને વીકેન્ડમાં રૂ. 120 ટિકિટ
ફ્લાવર શો 2027 માટે જાહેર કરાયેલા નવા ટિકિટ દરો મુજબ, સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રતિ વ્યક્તિ રૂ. 100 પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ મુલાકાત લેવા માટે પ્રતિ વ્યક્તિ રૂ. 120 ચૂકવવા પડશે. આ ઉપરાંત, ભીડથી દૂર રહીને શાંતિપૂર્વક ફ્લાવર શોનો આનંદ માણવા ઇચ્છતા મુલાકાતીઓ માટે ખાસ VIP સ્લોટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
60 ફૂલોના સ્કલ્પચર બનશે મુખ્ય આકર્ષણ
આગામી ફ્લાવર શોમાં ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા અંદાજે 60 અવનવા સ્કલ્પચર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અમદાવાદની ઐતિહાસિક ઓળખ સમાન પોળ અને પરંપરાગત ચબૂતરાને ફૂલોની સજાવટ સાથે રજૂ કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખને ઉજાગર કરતી આ કૃતિઓ મુલાકાતીઓ માટે ખાસ સેલ્ફી પોઇન્ટ બનશે.
આ ઉપરાંત, દરિયાઈ જીવસૃષ્ટિની ઝાંખી કરાવતું 30 મીટર લાંબું વિશાળ વ્હેલ માછલીનું સ્કલ્પચર પણ ફ્લાવર શોની વિશેષ ઓળખ બનશે. આ અનોખી કલાકૃતિ બાળકો સહિત તમામ વયજૂથના મુલાકાતીઓમાં કુતૂહલ જગાવશે તેવી અપેક્ષા છે.
રૂ. 26 કરોડના ખર્ચે યોજાશે પુષ્પ મહોત્સવ
પ્રાપ્ત વિગતો અનુસાર, 18 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય ફ્લાવર શો પાછળ અંદાજે રૂ. 26 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જ્યારે ટિકિટના નવા દરો અને VIP સ્લોટ સહિતની વ્યવસ્થાઓથી તંત્રને આશરે રૂ. 10 કરોડની આવક થવાની ધારણા છે.
નવા વર્ષની શરૂઆતમાં યોજાનારા આ પુષ્પ મહોત્સવમાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ફૂલોની અવનવી કલાકૃતિઓ, અમદાવાદની ઐતિહાસિક વિરાસત અને વિશાળ વ્હેલ સ્કલ્પચરના કારણે ફ્લાવર શો 2027 અમદાવાદના મુખ્ય પ્રવાસન આકર્ષણોમાં સ્થાન મેળવશે તેવી આશા છે.
