મહામંદી: બેંકમાં રોકડ રાખવા સામે આપી ચેતવણી, સોનું-ચાંદી અને ક્રિપ્ટોકરન્સીનો ઉલ્લેખ કર્યો; AI નોકરીઓ માટે મોટો ખતરો બનશે તેવી પણ આગાહી
નવી દિલ્હી: વિશ્વના અર્થતંત્ર પર ફરી એકવાર મોટી આર્થિક કટોકટીનાં વાદળો ઘેરાઈ રહ્યાં હોવાની ચેતવણી જાણીતા રોકાણકાર અને વિશ્વવિખ્યાત બેસ્ટસેલર પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ આપી છે. તેમના મતે આગામી સમયમાં આવનારી વૈશ્વિક મહામંદી વર્ષ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી કરતાં પણ વધુ ભયાનક સાબિત થઈ શકે છે. કિયોસાકીના આ નિવેદન બાદ વૈશ્વિક અર્થતંત્ર, બેંકિંગ વ્યવસ્થા અને રોકાણ બજારો અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
બેંકમાં રોકડ રાખવા અંગે ચેતવણી
રોબર્ટ કિયોસાકીએ રોકાણકારોને વર્તમાન પરિસ્થિતિમાં માત્ર બેંકમાં રોકડ રાખવા અથવા ગોલ્ડ-સિલ્વર ETF જેવા નાણાકીય સાધનો પર સંપૂર્ણ ભરોસો ન રાખવાની સલાહ આપી છે. તેમના મતે, સોનું, ચાંદી, બિટકોઈન અને ઇથેરિયમ જેવી સંપત્તિઓ તરફ ધ્યાન આપવું જોઈએ. તેમણે દાવો કર્યો છે કે તેઓ પોતે પણ આ સંપત્તિઓ ઉપરાંત રિયલ એસ્ટેટ અને ઓઈલમાં રોકાણ વધારી રહ્યા છે.
2008ની કટોકટી કરતાં મોટું સંકટ આવવાની આગાહી
કિયોસાકીએ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તેમણે CNN પર વુલ્ફ બ્લિટ્ઝર સાથેની મુલાકાત દરમિયાન લેહમેન બ્રધર્સની નાદારી અંગે આગાહી કરી હતી, જે બાદમાં સાચી સાબિત થઈ હતી. તેમના મતે, 2008માં સબ-પ્રાઇમ મોર્ટગેજ બજારના પતનથી વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો હતો, પરંતુ હાલ વૈશ્વિક ડેરિવેટિવ માર્કેટમાં રહેલા જોખમો ભવિષ્યમાં તેનાથી પણ મોટી આર્થિક અસ્થિરતા સર્જી શકે છે.
અમેરિકાના દેવા અને નોટો છાપવાની નીતિ પર સવાલ
અમેરિકાની આર્થિક નીતિઓની ટીકા કરતાં કિયોસાકીએ ફેડરલ રિઝર્વ અને મોટી નાણાકીય સંસ્થાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે નાણાં છાપવાની પ્રક્રિયા અને અમેરિકાના વધતા દેવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમના મતે, મોટા પ્રમાણમાં નાણાંનું સર્જન થવાથી કાગળના ચલણની ખરીદશક્તિ ઘટવાનું જોખમ વધી શકે છે. તેમણે અમેરિકાના દેવા અંગે પણ આશરે 49 ટ્રિલિયન ડોલરનો આંકડો રજૂ કર્યો છે.
AI બનશે રોજગાર માટે મોટો પડકાર
આર્થિક કટોકટી ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના કારણે રોજગાર ક્ષેત્રમાં મોટા ફેરફારો આવશે તેવી પણ કિયોસાકીએ ચેતવણી આપી છે. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું કે, જેમ લોકો ફ્રેન્ચ ફ્રાઈસ ખાય છે, તેવી જ રીતે AI લોકોની નોકરીઓને ઝડપથી ગળી જશે. ફોક્સવેગન જેવી ઓટોમોબાઈલ કંપનીઓમાં કર્મચારીઓની સંભવિત છટણી અને યુરોપમાં વધી રહેલી આર્થિક-સામાજિક અસ્થિરતાનો ઉલ્લેખ કરીને તેમણે રોજગારના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે.
લોકોને નાણાકીય સમજ વધારવાની સલાહ
કિયોસાકીના મતે, સરકારો અને રાજકીય નેતાઓ સામાન્ય લોકોની નોકરીઓ અને નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા કરતાં સત્તા જાળવવા પર વધુ ધ્યાન આપે છે. તેથી તેમણે લોકોને માત્ર પરંપરાગત શિક્ષણ પર આધારિત રહેવાને બદલે પોતાની નાણાકીય સમજણ એટલે કે Financial IQ વધારવાની સલાહ આપી છે.
તેમના મતે, બદલાતી આર્થિક પરિસ્થિતિને સમયસર સમજનારા અને યોગ્ય નાણાકીય આયોજન કરનારા લોકો ભવિષ્યનાં સંકટોનો વધુ સારી રીતે સામનો કરી શકશે. જોકે, કિયોસાકીની આ આગાહી તેમનો વ્યક્તિગત આર્થિક અંદાજ છે, વૈશ્વિક મહામંદી આવશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. રોકાણકારોએ કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં જોખમ અને પોતાની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
