અમદાવાદ: નવા નરોડા વિસ્તારમાં આવેલા શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે વેશભૂષા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ મોટી ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ રાણી લક્ષ્મીબાઈ, મહાકાળી માતા, પોલીસ અને ભારતમાતા સહિત વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કર્યુ હતું અને બે બાળકીઓ ખુબજ સુંદર તલવારવાજી કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. દેશભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાની ઝલક રજૂ કરતી આ વેશભૂષાએ ઉપસ્થિત લોકોમાં ઉત્સાહ જગાવ્યો હતો.
કાર્યક્રમનું ખાસ આકર્ષણ ફ્લેટની યુવતીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ‘આપણું ગામ’ થીમ રહી હતી. યુવતીઓએ ગામડાના જીવન અને પરંપરાગત સંસ્કૃતિને વેશભૂષા દ્વારા જીવંત બનાવીને ઉપસ્થિત સૌને ગામડાની યાદો તાજી કરાવી હતી. તેમની આ અનોખી રજૂઆતને સૌએ બિરદાવી હતી.
કાર્યક્રમમાં વેશભૂષા ધારણ કરનાર પ્રતિભાગીઓને રાજશ્રીબેન દ્વારા ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોત્સાહનથી પ્રતિભાગીઓમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
શ્રી રામ કુટિર ફ્લેટના કમિટી સભ્યોની મહેનત અને આયોજનના પરિણામે કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો. નાના બાળકો થી લઈને વડીલો, યુવાનો અને યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો.
આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, પરસ્પર સહકાર અને નવી પેઢીમાં સંસ્કાર તથા પરંપરા પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે યોજાયેલો આ વેશભૂષા કાર્યક્રમ સહભાગીઓ અને ઉપસ્થિત લોકો માટે આનંદદાયક અને યાદગાર બની રહ્યો હતો.
