ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી અને પૂજા અર્ચના કરીને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા. મોડી રાતથી જ મંદિર પરિસરમાં ભાવિકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી અને તેમના રથનું પૂજન અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સતત પાંચમી વખત સોનાની સાવરણીથી રથની સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્ય રથને નગરયાત્રા માટે ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને દેશવિદેશમાં વસતા સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલા વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. અમદાવાદની આ રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક છે અને તે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે સેવારત તમામ વિભાગોનો તેમણે આભાર માન્યો હતો.
રથયાત્રા પૂર્વે આતંકીઓ ઝડપાવાના કારણે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરવામાં આવી છે. મંદિરમાં પ્રવેશતા દરેક લોકોની મેટલ ડિટેક્ટરથી સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. રથોની સુરક્ષા માટે ૪૫૦૦ પોલીસ જવાનો અને ચેતક કમાન્ડો રથયાત્રાની મોખરે સાથે ચાલી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર વડા નીરજ બડગુજ્જરના માર્ગદર્શન હેઠળ ડીસીપી રૂપલ સોલંકીની ટીમ દ્વારા વિવિધ સ્થળો પર પૂજન અને આરતીના દ્રશ્યો લાઈવ જોઈ શકાય તે માટે સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનાથી ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ટ્રાફિક મૂવમેન્ટની અદભુત વ્યવસ્થા એડી. સીપી અશ્વિન ચૌહાણની ટીમ સંભાળી રહી છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ક્રાઈમ અજિત રાજિયાણ, ડીસીપી ભરત રાઠોડ અને ડીસીપી હર્ષદ પટેલની ટીમ પણ બંદોબસ્તમાં એક્ટિવ મોડમાં કાર્યરત છે.
આ પાવન અવસરે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો અમિત શાહ, અમિત ઠાકર, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, શ્રીમતી કંચનબેન રાદડિયા, રાજ્ય પોલીસવડા જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિત અનેક મહાનુભાવો તથા સંતો-મહંતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
