ગણપતિ બાપા પ્રત્યેની અતૂટ આસ્થા અને અનોખી કળાના કારણે સિહોરના વતની રમાબેન સતીશ શાહે આગવી ઓળખ ઉભી કરી છે. મૂળ સિહોરના અને હાલ મુંબઈમાં સ્થાયી થયેલા રમાબેન છેલ્લા 26 વર્ષથી ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ 6 લાખથી વધુ ગણપતિ મૂર્તિઓ બનાવી ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આંખે પાટા બાંધીને બનાવે છે ગણપતિની મૂર્તિ
રમાબેનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેઓ આંખે પાટા બાંધીને પણ ગણપતિની મૂર્તિ બનાવી શકે છે. બાળપણથી જ ગણેશ ભક્તિમાં રસ ધરાવતા રમાબેન ધ્યાન અને એકાગ્રતા સાથે મૂર્તિ બનાવવાની કળાને આગળ વધારી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, તેમણે 12 કલાકમાં 99 મૂર્તિઓ અને 5 કલાકમાં 100 ગણપતિ મૂર્તિઓ બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
અનેક રેકોર્ડ બુકમાં નોંધાઈ સિદ્ધિ
રમાબેન શાહની આ અનોખી કળાની નોંધ વિવિધ રેકોર્ડ સંસ્થાઓમાં લેવાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, જીનિયસ વર્લ્ડ રેકોર્ડ અને લંડન બુક ઓફ રેકોર્ડ્સ-2024નો સમાવેશ થાય છે.
સામાજિક ક્ષેત્રે કરેલા કાર્ય બદલ તેમને વર્ષ 2023માં માનદ ડોક્ટરેટ તેમજ ગરવી ગુજરાત ગૌરવ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
PM મોદી સહિત અનેક મહાનુભાવોને ગણપતિ મૂર્તિ અર્પણ
રમાબેન શાહે પોતાની હાથે બનાવેલી ગણપતિની મૂર્તિઓ દેશના અનેક જાણીતા મહાનુભાવોને ભેટ સ્વરૂપે અર્પણ કરી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉદ્યોગપતિ રતન ટાટા અને અભિનેત્રી હેમા માલિની સહિતના નામોનો સમાવેશ થાય છે.
મુંબઈમાં તેઓ મુંબઈ પોલીસ શાંતિ સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
ભક્તિ, કળા અને એકાગ્રતાનું અનોખું સંયોજન
રમાબેન શાહની સફર દર્શાવે છે કે વર્ષોની સાધના, ભક્તિ અને સતત મહેનતથી કળાને એક આગવી ઓળખ આપી શકાય છે. આંખે પાટા બાંધીને ગણપતિ મૂર્તિ બનાવવાની તેમની ક્ષમતા ગણેશ ભક્તોમાં પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
