જીસીએસ હોસ્પિટલમાં 77 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું. પેટમાં દુઃખાવો વધવાની સાથે-સાથે તેમને ખાવા-પીવાની તકલીફ થવાથી જીસીએસ હોસ્પિટલમાં દાખલ થયા. અંડાશયમાં રહેલી ગાંઠ દિવસે દિવસે મોટી થતાં પેટની સાઈઝ વધતી જતી હતી.
આ ઉપરાંત પેટમાં દુ:ખાવોની સાથે પેટ વધારે ફુંલતું લાગતાં ડોક્ટરને બતાવ્યું હતું. સીટી સ્કેન કરાવતા ગાંઠ જણાઇ ત્યારે ઓપરેશન કરાવી સારવાર લેવાની સલાહ અપાતાં તેમણે જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. જીસીએસ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં ડો. દિવ્યેશ પંચાલના હેઠળ દાખલ થઇ જરૂરી રીપોર્ટસ કરાયા બાદ ડો. વિદ્યાસાગર શર્મા દ્વારા ઓપરેશન કરી 13 કિલોની ગાંઠ બહાર કાઢવાનું નક્કી કર્યું હતું.
આ ઓપરેશનમાં ગાયનેક ટીમના ડો. દિવ્યેશ પંચાલ, ડો. વિદ્યાસાગર શર્મા અને એમનો સ્ટાફ જોડાયા હતા. સર્જરી વિભાગના ડો. વિદ્યાસાગર શર્મા અને તબીબોની ટીમે ઓપરેશન કરીને ગાંઠને સફળતાપૂર્વક બહાર કાઢી હતી.
જીસીએસ હોસ્પિટલના ડો. વિદ્યાસાગર શર્મા (સર્જરી વિભાગ) જણાવ્યું કે, અંદાજે 13 કિલો વજનની ગાંઠના કારણે પેટ ફૂલી જતા મહિલા દર્દી માટે ઊઠવું, બેસવું અને ચાલવું અશક્ય બન્યું હતું. કેન્સરની શંકા જતા જીસીએસ હોસ્પિટલમાં ગાયનેક વિભાગનો સંપર્ક કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું મહિલા માટે આર્થિક રીતે પોસાય તેમ ન હતું. પરંતુ જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવારનો લાભ મળ્યો હતો.
ઓપેરેશન બાદ 13 કિલો વજનની ગાંઠ સફળતાપૂર્વક બહાર કાઢવમાં આવી હતી. આ ગાંઠનું કદ 32 સેમી જેટલું હતું. છેલ્લા પાંચ વર્ષમાં જીસીએસ હોસ્પિટલમાં ડો. દિવ્યેશ પંચાલ (ગાયનેક કેન્સર સર્જન) દ્વારા 100થી વધુ ગાયનેક કેન્સરના દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. જેમાંથી મોટા ભાગના દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિ:શુલ્ક સારવારનો લાભ મેળવ્યો હતો. જીસીએસ હોસ્પિટલમાં હાલમાં મોં-ગળા, સ્તન, ફેફસા, ગર્ભાશય, અન્નનળી-આંતરડા, થાઈરોઈડ, બ્લડ કેન્સર વગેરે પ્રકારના કેન્સરની પણ સારવાર ઉપલબ્ધ છે.