November 25, 2026
ગુજરાત

અમદાવાદમાં વાલ્મિકી સમાજના સેવાકર્મીઓને ગૌરવભેર સન્માન, માનવતાની મિસાલ બનનાર વીરલાઓનું મેડલ અને સન્માનપત્રથી બહુમાન

અમદાવાદ: માનવતા, નિઃસ્વાર્થ સેવા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વાલ્મિકી સમાજના કર્મવીરોનું ‘વાલ્મિકી સમાજ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજ અને માનવતાનું ગૌરવ વધારનાર સેવાભાવી વ્યક્તિઓને તેમની ઉમદા કામગીરી બદલ મેડલ, મોમેન્ટો અને સન્માનપત્ર અર્પણ કરી ગૌરવભેર બહુમાન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં ખાસ કરીને ત્રણ અલગ-અલગ પ્રસંગોએ માનવતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર કર્મવીરોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવના જોખમે બચાવ્યા અનેક લોકોના જીવ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટના દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વિના આગની જ્વાળાઓ વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા આગળ આવનાર બળદેવભાઈ સોલંકી (રોહિતભાઈ)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે દુર્ઘટના સમયે મહિલા ડોક્ટર, તેમના માસૂમ બાળક સહિત અન્ય વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં સાહસિક ભૂમિકા ભજવી હતી. તેમના આ અદમ્ય સાહસ અને માનવતાભર્યા કાર્યને ટ્રસ્ટ દ્વારા બિરદાવવામાં આવ્યું હતું.

કપરા સંજોગોમાં પણ ફરજ નિભાવનાર AMCના સફાઈ કર્મચારીઓનું બહુમાન

આ જ દુર્ઘટના સમયે અત્યંત હૃદયદ્રાવક અને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા જાળવી સફાઈ કામગીરી કરનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અસારવા ઝોન (મેઘાણીનગર)ના સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મુશ્કેલ સંજોગોમાં તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાને વંદન કરી કર્મચારીઓને મેડલ અને સન્માનપત્ર અર્પણ કરાયાં હતાં.

છ માસથી જંગલમાં ભટકતી મહિલાને પરિવાર સાથે મિલન કરાવનાર ચાર યુવાનોનું સન્માન

માનવતાની બીજી પ્રેરણાદાયી ઘટનામાં અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહ નજીકના જંગલમાં છેલ્લા છ મહિનાથી અત્યંત દયનીય અને અસહાય સ્થિતિમાં રહેતી અસ્થિર મગજની મહિલાને મદદરૂપ થનાર ચાર સેવાભાવી યુવાનોનું સન્માન કરાયું હતું.

કેમ્પ સદર બજારના ઠાકોર પારચે, વિજયભાઈ પરમાર, અનિકેતભાઈ વાઘેલા અને ચિરાગભાઈ મકવાણાએ મહિલાની સ્થિતિ જોઈ તેને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ‘પ્રભુ સેવા ફાઉન્ડેશન’ અને આશ્રમના સહયોગથી મહિલાને સુરક્ષિત સ્થળે પહોંચાડી તેની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત પ્રયાસોના પરિણામે આખરે મહિલાનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

આ ઉમદા સેવાકાર્ય બદલ ચારેય યુવાનોને સન્માનિત કરી તેમની માનવતાવાદી કામગીરીને બિરદાવવામાં આવી હતી.

‘વાલ્મિકી સમાજ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા તમામ સન્માનિત કર્મવીરો અને સેવાભાવી યુવાનોની કામગીરીને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવી હતી. સમાજના આવા કર્મવીરો માત્ર પોતાની ફરજ જ નથી નિભાવતા, પરંતુ મુશ્કેલીના સમયે માનવતાનો ધર્મ પણ નિભાવી રહ્યા છે. ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને માનવતાવાદી કાર્યો અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું.

Related posts

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

Ahmedabad Samay

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો