અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોરોનાના સમયમાં બંધ કરી દેવાયો હતો. જો કે તબક્કા વાર સરકાર દ્વારા હવે એક પછી એક અનલોકની જાહેરાત કરીને ભીડભાડવાળી જગ્યાઓને શરતોનું પાલન કરવાની શરતે ખોલવાની મંજૂરી અપાઇ રહી છે. પરંતુ શહેરની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોઇ પણ શરતે ખોલવામાં આવતો નથી. પરિણામ સ્વરુપે દર્દીનાં સગાંઓને એક કિ.મી. ફરીને અવરજવર કરવી પડે છે.
કેન્સર હોસ્પિટલ પાસે ગેટ નં. ૦૬નો મુખ્ય દરવાજો છેલ્લાં છ મહિનાથી કોરોનાનાં કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગેટ નં. ૦૬ ની બાજુમાં ચાલીને જવા માટે દરવાજો ચાલુ હતો. આ ગેટમાંથી દર્દીઓ તથા તેનાં સગાંઓ સીધાં જ ઓપીડી અને કેન્સર હોસ્પિટલમાં સીધી અવરજવર કરી શકતા હતાં. ન્યુ સિવિલ પોસ્ટ ઓફીસ, આયુર્વેદિક બોર્ડ, ફાર્મસી બોર્ડ, નર્સિંગ રજીસ્ટ્રેશન બોર્ડ વગેરે ઓફીસો આવેલી હોવાંથી તેનાં કામથી આવતાં લોકો માટે પણ સરળતા હતી. પરંતુ આ ગેટ કોરોના ના કારણે ૦૬ માસથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.