ગુજરાત ATS નું મોટું ઓપરેશન: AK-47 અને 23 જીવતા કારતૂસ સાથે આસામનો શખ્સ ઝડપાયો, વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું? જરોદ બસ સ્ટેન્ડ પરથી ધરપકડ, પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણનો ATSનો ખુલાસો; મોબાઈલમાંથી તાલીમના ફોટા અને આતંકી સંગઠનનું સાહિત્ય મળ્યું
ગુજરાતમાં આતંકી હુમલાના કથિત કાવતરાનો પર્દાફાશ કરતાં ગુજરાત ATSએ મોટી કાર્યવાહી કરી છે. વડોદરા નજીક જરોદ બસ સ્ટેન્ડ પરથી આસામના મોહમ્મદ શાહરૂલ ઇસ્લામ નામના શખ્સને AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ATSના પ્રાથમિક તપાસના ખુલાસા મુજબ, આરોપી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતો અને વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યો હોવાની આશંકા છે.
છ મહિનાથી ATSની નજરમાં હતો આરોપી
ગુજરાત ATSના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શાહરૂલ ઇસ્લામ છેલ્લા એક વર્ષથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની માહિતી મળી હતી. ATS છેલ્લા છ મહિનાથી વધુ સમયથી તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. ચોક્કસ બાતમી મળ્યા બાદ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી અને તપાસના અંતે જરોદ બસ સ્ટેન્ડ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી મૂળ આસામના કરીમનગરનો રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તે આસામથી ટ્રેન અને બસ મારફતે ગુજરાત પહોંચ્યો હતો અને વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલી મિલન હોટેલમાં રોકાયો હતો. જોકે, તે હોટેલમાંથી ચેકઆઉટ કર્યા વિના જ નીકળી ગયો હતો. ATSએ મોબાઈલ લોકેશનના આધારે તેની શોધખોળ કરી તેને ઝડપી પાડ્યો હતો.
મોબાઈલમાંથી આતંકી તાલીમના ફોટા અને સાહિત્ય મળ્યું
પકડાયેલા આરોપીના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધિત સાહિત્ય, તાલીમને લગતા ફોટોગ્રાફ્સ અને આતંકી સંગઠન સાથે સંપર્ક હોવાના પુરાવા મળ્યા હોવાનું ATSએ જણાવ્યું છે. આ ઉપરાંત, તેની ગતિવિધિઓ અને નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
ATSના ખુલાસા મુજબ, આરોપીને દાહોદ નજીકથી AK-47 રાઈફલ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. તેની પાસેથી એક AK-47 રાઈફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે. હથિયાર કોણે પૂરું પાડ્યું અને તેની પાછળ કયા લોકો સક્રિય હતા તે જાણવા તપાસ ચાલી રહી છે.
વડોદરા એરફોર્સ સ્ટેશન હતું નિશાન?
આ સમગ્ર કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે ATSના જણાવ્યા મુજબ આરોપીના નિશાન પર વડોદરા એરફોર્સ સ્ટેશન હતું. હુમલો કર્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી હોવાનું જણાવાયું છે. જોકે, આ કાવતરાની તમામ વિગતો અને તેમાં અન્ય વ્યક્તિઓની સંડોવણી અંગે તપાસ હજુ ચાલુ છે.
DyCMના કાર્યક્રમ નજીકથી આરોપી ઝડપાતાં ખળભળાટ
આરોપીની ધરપકડ કરવામાં આવી તે સ્થળથી નજીકમાં જ નવલખી મેદાન ખાતે ‘ઋષભાયન-3’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક સંતો-મહંતો ઉપસ્થિત હતા. આવી મહત્ત્વપૂર્ણ જગ્યાની નજીકથી હથિયારો સાથે શંકાસ્પદ શખ્સ ઝડપાતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી.
DIG સુનિલ જોશીની આગેવાનીમાં ATSની પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત ATS દ્વારા DIG સુનિલ જોશીની આગેવાનીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર ઓપરેશન અંગે વિગતો જાહેર કરવામાં આવી હતી. હાલ આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે. તેના સંપર્કો, હથિયાર સપ્લાય કરનાર વ્યક્તિઓ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધો અને સંભવિત આતંકી નેટવર્કની કડીઓ જોડવા સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.
ગુજરાત ATSની સમયસરની કાર્યવાહીથી સંભવિત આતંકી કાવતરાનો પર્દાફાશ થયો છે. હવે તપાસમાં આ નેટવર્કના અન્ય સભ્યો અને ગુજરાતમાં તેની ગતિવિધિઓ અંગે શું નવા ખુલાસા થાય છે તેના પર સુરક્ષા એજન્સીઓની નજર છે.
