અમદાવાદ: SIR પ્રક્રિયા દરમિયાન 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર નવા મતદારો માટે ભરવામાં આવેલા ફોર્મ નંબર-6ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તેમના ચૂંટણી કાર્ડ તૈયાર થતાં અસારવા વોર્ડમાં નવા મતદારોને ઘરે ઘરે જઈ ચૂંટણી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અસારવા વોર્ડનાં કાઉન્સિલર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટી સભ્ય સુમનકંવર રાજપૂતે નવા મતદારો અને તેમના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને ચૂંટણી કાર્ડ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે યુવા મતદારોને લોકશાહીના મજબૂત આધારસ્તંભ ગણાવી પોતાના મતાધિકારનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદાર બનવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નવા મતદારોને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડવાના આ પ્રયાસથી યુવાનોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
