ભારતવર્ષની આઝાદીનું અમૃતપર્વ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશમાં પંચામૃત મહોત્સવ ઉજવવાની ઘોષણા કરી છે. એ ઘોષણા અંતર્ગત ભારતની પવિત્ર ભૂમિનું પૂજન કરવું એવું એક આયોજન યોજાઈ રહ્યું છે. જેને નામ અપાયું છે – મેરી માટી મેરા દેશ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય મેરી માટી મેરા દેશ મહોત્સવ ઉજવાઈ ગયો.
આ મહોત્સવમાં સમગ્ર ભારતના તીર્થો – હરિદ્વાર, બદરિનાથ, દ્વારકા, સોમનાથ, અયોધ્યા, છપૈયા, ગઢપુર, વડતાલ, સિદ્ધપુર વગેરે… મહાપુરુષોના જન્મસ્થાન – પોરબંદર, કરમસદ, તરવડા, ખોરાણા, પીઠવડી વગેરે સ્થાનોમાંથી માટી લાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુરુકુલ પરિવારના ભક્તોએ પોતપોતાના ગામ, તીર્થ, નદી, તળાવ વગેરેની પાંચસો એકાવન જગ્યાએથી પવિત્ર માટી એકઠી કરી હતી. સુંદર કળાત્મક શણગારેલા કુંભમાં માટીને પધરાવી મા ધરતીનું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પૂજ્ય સ્વામીજી, સંતો તથા મહાનુભાવોએ વેદમંત્રોના ઘોષ સાથે માટીકુંભોનું પૂજન-અર્ચન કર્યું હતું.
ત્યારબાદ એ માટીકુંભોને મસ્તક ઉપર પધરાવી માટી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સંતો, મહાનુભાવો, સમાજના આગેવાનો, ગુરુકુલના વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશભક્તિના નારા અને બેન્ડવાજા સાથે નીકળેલી યાત્રા પ્રાર્થનાભવનમાં પહોંચી હતી. આ પ્રસંગે ખાસ તાજેતરમાં જમ્મુ બોર્ડર ઉપર શહીદ થયેલા ગુજરાતના પનોતા જવાન મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.