રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીને કારણે સતત પરેશાન થઈ રહ્યાં છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પાસો ઉંચો જશે. રાજ્યભરમાં આગામી પાંચ દિવસમાં ત્રણ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટ સાથે મોચા વાવાઝોડાની રાજ્ય પર શું અસર પડશે તેની માહિતી પણ આપી છે.
હવામાન વિભાગે આપી માહિતી
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યુ કે, રાજ્યમાં પાછલા દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. તેમણે કહ્યું કે હવે વાદળાઓ વિખેરાઈ ગયા છે. એટલે કે હવે રાજ્યમાં તાપમાન વધશે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં 9 મેએ યલો એલર્ટ રહેશે. તો 10 અને 11 મેએ ઓરેન્જ એલર્ટ. જ્યારે 12 તારીખે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
આ જગ્યાએ પડશે ભારે ગરમી
રાજ્યના હવામાન વિભાગે અમદાવાદ માટે પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. જ્યારે 10 અને 12 મેએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે. ત્યારબાદ 12 મેએ ફરી અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આગામી દિવસોમાં અમદાવાદના લોકોએ ભારે ગરમીનો સામનો કરવો પડશે