યાત્રાધામ, શૈક્ષણિક પ્રવાસ અને સામૂહિક મુસાફરી કરનારાઓને મોટી રાહત; દક્ષિણ પશ્ચિમ રેલવેએ બલ્ક ટિકિટ બુકિંગના નિયમોમાં કર્યો ફેરફાર
નવી દિલ્હી: ટ્રેનમાં મોટી સંખ્યામાં એકસાથે મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ રેલવે (SWR) દ્વારા ગ્રુપ અને બલ્ક ટિકિટ બુકિંગના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ હવે એકસાથે બુક કરાવી શકાય તેવી બર્થની મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવી છે. આ નિર્ણયથી યાત્રાધામો, શૈક્ષણિક પ્રવાસો, રમતગમત સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મુસાફરી કરતા જૂથોને સરળતા રહેશે.
દક્ષિણ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. મંજુનાથ કાનમાડીના જણાવ્યા મુજબ, નવા વાણિજ્યિક પરિપત્ર હેઠળ મુખ્ય રિઝર્વેશન કેન્દ્રો પર સવારે 9 વાગ્યાથી ગ્રુપ બુકિંગ માટે અરજીઓ સ્વીકારવામાં આવશે. ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર અને સ્ટેશન મેનેજર હવે નિર્ધારિત બર્થ મર્યાદા વિના ગ્રુપ બુકિંગને મંજૂરી આપી શકશે.
આ સુવિધા તમામ વર્ગના કોચ માટે લાગુ રહેશે. ટિકિટ કન્ફર્મ, RAC અથવા વેઇટિંગ લિસ્ટમાં હોય તો પણ ગ્રુપ બુકિંગની અરજી કરી શકાશે.
અરજી માટે આ વિગતો જરૂરી
ગ્રુપ બુકિંગ માટે મુસાફરીનો હેતુ, તમામ મુસાફરોનાં નામ, ઉંમર, લિંગ અને સરનામાની વિગતો સાથે અધિકૃત રેલવે અધિકારીને અરજી કરવાની રહેશે. સામાન્ય રીતે ટ્રાવેલ એજન્ટો મારફતે કરવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. વિદેશી પ્રવાસીઓ અને NRI માટે અલગ જોગવાઈ રાખવામાં આવી છે.
પરત મુસાફરી માટે પણ સમાન રિઝર્વેશન ઓફિસમાંથી ગ્રુપ બુકિંગની સુવિધા મળશે, જોકે તેના માટે અલગ અરજી અને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધાનો લાભ વાસ્તવિક જરૂરિયાત ધરાવતા જૂથોને જ મળશે. ટિકિટની કાળાબજારી અને બર્થના દુરુપયોગ સામે નિયંત્રણ રાખવામાં આવશે. હાલ આ સુધારેલી વ્યવસ્થા દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોનમાં લાગુ કરવામાં આવી છે.
