645 પંચાયત સમિતિ બેઠકોમાંથી કોંગ્રેસે 313 બેઠકો જીતી, ભાજપ 214 પર સમેટાયો; સીકરમાં મંત્રીના પરિવારની હારથી રાજકીય વર્તુળોમાં ચર્ચા
જયપુર: રાજસ્થાનમાં પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદની ચૂંટણીનાં પરિણામોમાં રાજકીય ચિત્ર રસપ્રદ બન્યું છે. શાસક ભાજપની સરખામણીએ કોંગ્રેસે પંચાયત સમિતિની બેઠકો પર વધુ સફળતા મેળવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા 20 નવેમ્બર, 2026ના આંકડા મુજબ, અત્યાર સુધી જાહેર થયેલા 645 પંચાયત સમિતિ બેઠકોનાં પરિણામોમાં કોંગ્રેસે 313 બેઠકો જીતી છે, જ્યારે ભાજપને 214 બેઠકો મળી છે. આ પરિણામોમાં સૌથી વધુ ચર્ચા સીકર જિલ્લાની થઈ રહી છે, જ્યાં રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ઝાબર સિંહ ખરારાના પત્ની અને બંને પુત્રોને હારનો સામનો કરવો પડ્યો છે.
મંત્રીના પરિવારની હાર બની સૌથી મોટી ચર્ચા
સીકર જિલ્લામાં શહેરી વિકાસ અને આવાસ મંત્રી ઝાબર સિંહ ખરારાના પરિવારને મોટો ફટકો પડ્યો છે. અજીતગઢ પંચાયત સમિતિના વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડનારાં તેમનાં પત્ની શાંતિ દેવી 51 મતોના અંતરથી હારી ગયાં છે. જ્યારે મોટા પુત્ર દુર્ગા સિંહ ખરારા શ્રીમાધોપુરના વોર્ડ નંબર 19માંથી અને નાના પુત્ર અજય સિંહ ખરારા વોર્ડ નંબર 20માંથી ચૂંટણી હારી ગયા છે. આ સાથે મંત્રીના પરિવારના ત્રણેય સભ્યોની હાર સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
સીકરમાં અન્ય કેટલાક રાજકીય દિગ્ગજોને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપનાં પૂર્વ જિલ્લા પ્રમુખ ઇન્દ્રા ચૌધરી વોર્ડ નંબર 48માંથી હારી ગયાં છે. જ્યારે રાજસ્થાન પોલીસના ડીઆઈજી અરશદ અલીનાં પત્ની ઝરીના ખાન જિલ્લા પરિષદના વોર્ડ નંબર 47માંથી કોંગ્રેસનાં નસીમ બાનો સામે પરાજિત થયાં છે.
જિલ્લા પરિષદમાં પણ કોંગ્રેસની સરસાઈ
જિલ્લા પરિષદની અત્યાર સુધી જાહેર થયેલી સાત બેઠકોમાંથી કોંગ્રેસે ચાર અને ભાજપે ત્રણ બેઠકો જીતી છે. જોકે, વોર્ડ નંબર 44માં ભાજપના તારાચંદ ધાયલે કોંગ્રેસના ઉમેદવારને હરાવીને પક્ષને સફળતા અપાવી છે.
પંચાયત સમિતિની અન્ય બેઠકોમાં આરએલપીએ 33, સીપીઆઈ(એમ)એ 14, બસપાએ 9 અને ભારતીય આદિવાસી પાર્ટીએ 5 બેઠકો મેળવી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 57 બેઠકો જીતી છે.
ચાર જિલ્લામાં મતગણતરી બાકી
રાજસ્થાનના કોટા, બારાં, કરૌલી અને શ્રીગંગાનગર જિલ્લામાં મતગણતરી 17 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે. આથી હાલ જાહેર થયેલા આંકડા સંપૂર્ણ રાજ્યના અંતિમ પરિણામો નથી. બાકીનાં પરિણામો અને ત્યારબાદ જિલ્લા પ્રમુખ, પ્રધાન તથા અન્ય પદોની ચૂંટણી પર રાજકીય પક્ષોની નજર રહેશે.
રાજસ્થાનનાં ગ્રામ્ય વિસ્તારોમાં સામે આવેલા આ પરિણામો ભાજપ અને કોંગ્રેસ બંને માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મંત્રીના પરિવાર સહિત અનેક રાજકીય પરિવારોને મળેલી હારને કારણે આ ચૂંટણીનાં પરિણામો રાજ્યના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
