August 8, 2026
રમતગમત

GT Vs CSK: છેલ્લા બોલ પર ફોર ફટકારી જાડેજાએ ચેન્નઇને બનાવ્યું ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સની પાંચ વિકેટથી હાર

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સે DLS નિયમ અનુસાર 15 ઓવરમાં જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે જીતવા માટે જરૂરી ચાર રન બનાવીને ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પાંચમી વખત વિજેતા બનવામાં સફળ રહી હતી.

ચેન્નઈની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. ગુજરાત તરફથી આ ઓવર ફેંકવાની જવાબદારી મોહિત શર્માને સોંપવામાં આવી હતી. જેણે પ્રથમ બોલ પર કોઈ રન આપ્યો ન હતો. આ પછી ઓવરના બીજા બોલ પર માત્ર 1 રન આવ્યો. હવે ચેન્નઈને 4 બોલમાં 12 રનની જરૂર હતી. ત્રીજા અને ચોથા બોલ પર પણ 1-1 રન આવ્યા.

છેલ્લા 2 બોલમાં ચેન્નઈને જીતવા માટે 10 રનની જરૂર હતી. મોહિત શર્માની ઓવરના 5માં બોલ પર સિક્સર ફટકારીને રોમાંચ જાળવી રાખવાનું કામ રવિન્દ્ર જાડેજાએ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નઈની ટીમને 5મી વખત વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે ચેન્નઈને શાનદાર શરૂઆત અપાવી હતી

આ મેચમાં જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે 215 રનના ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત કરી ત્યારે તેની ઈનિંગના ત્રીજા બોલ બાદ વરસાદને કારણે રમત રોકવી પડી હતી. લગભગ 2 કલાક પછી મેચ ફરી શરૂ થઈ ત્યારે ચેન્નાઈને DLS નિયમો અનુસાર 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

ચેન્નઈ માટે શરૂઆત કરવા ઉતરેલા ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. 4 ઓવરની રમતના અંતે ચેન્નઈનો સ્કોર કોઈ પણ નુકસાન વિના 52 રન પર પહોંચી ગયો હતો. આ પછી 6 ઓવરની રમતના અંતે ટીમનો સ્કોર 72 રન હતો.

આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટાઇમ આઉટ બ્રેક બાદ 7મી ઓવરમાં વાપસી કરીને ચેન્નઇની ટીમને 2 મોટા આંચકા આપ્યા હતા. નૂર અહેમદે સૌથી પહેલા ગાયકવાડને 74ના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ પછી 78ના સ્કોર પર ડેવોન કોનવેની વિકેટ લઈને તેણે આ મેચમાં ગુજરાતને વાપસી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રહાણેએ ફરી મેચમાં ચેન્નઈને વાપસી કરાવી

એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ અચાનક આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ દબાણમાં દેખાવા લાગી. અજિંક્ય રહાણેએ શિવમ દુબે સાથે મળીને ચેન્નઈને ફરીથી મેચમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રહાણેએ ઇનિંગની 8મી ઓવરમાં બે સિક્સર સાથે 16 રન બનાવ્યા હતા. આ સાથે ચેન્નઈનો સ્કોર 8 ઓવર બાદ 94 રન સુધી પહોંચી ગયો હતો. ચેન્નઈએ 10 ઓવરના અંતે 112 રન બનાવ્યા હતા. CSKને આ મેચમાં ત્રીજો ફટકો રહાણેના રૂપમાં 117ના સ્કોર પર લાગ્યો હતો, જે 13 બોલમાં 27 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

ચેન્નઈને જીતવા માટે અંતિમ 18 બોલમાં 39 રનની જરૂર હતી.

12 ઓવરના અંતે ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. છેલ્લી 3 ઓવરમાં ટીમને જીતવા માટે 39 રનની જરૂર હતી. આ પછી મોહિતે પરત ફરીને આગામી 2 બોલમાં અંબાતી રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોનીને પેવેલિયન મોકલીને ચેન્નઈને 2 મોટા આંચકા આપ્યા હતા. 13 ઓવરના અંતે ચેન્નઈનો સ્કોર 5 વિકેટના નુકસાને 150 રન હતો.

ગુજરાત તરફથી આ મેચમાં મોહમ્મદ શમીએ 14મી ઓવર ફેંકી હતી. ચેન્નઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. આ ઓવરના પહેલા 4 બોલમાં ચેન્નઈની ટીમ માત્ર 3 રન જ બનાવી શકી હતી. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા 2 બોલમાં 10 રન બનાવી ચેન્નઈને 5મી વખત વિજેતા બનાવ્યું હતું. ગુજરાત તરફથી મેચમાં મોહિત શર્માએ 3 અને નૂર અહેમદે 2 વિકેટ ઝડપી હતી.

ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સની વાત કરીએ તો રિદ્ધિમાન સહાએ 54 અને સાઇ સુદર્શને 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ગુજરાતની ટીમ IPL ફાઈનલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ગુજરાતનો દાવ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રનના સ્કોર પર સમાપ્ત થયો હતો. ચેન્નઈ માટે આ મેચમાં મતિશા પથિરાનાએ 2 જ્યારે દીપક ચહર અને રવિન્દ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

Related posts

IND Vs AFG: ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓની એન્ટ્રી, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા BCCI નો મોટો નિર્ણય

Ahmedabad Samay

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની 500મી મેચમાં 29મી ટેસ્ટ સદી પૂરી કરી

Ahmedabad Samay

મહિલા વિશ્વ કપ ૨૦૨૫ ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં યજમાન ભારતની મહિલા ક્રિકેટ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને ૫ વિકેટથી હરાવ્યું

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા બની વર્લ્ડ ચેમ્પિયન, ન્યુઝીલેન્ડ સામેની ૨૫ વર્ષ જૂની હારનો બદલો પણ લઈ લીધો

Ahmedabad Samay

Women Team India: ભારતીય ટીમ માટે સારા સમાચાર, T20 વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી

Ahmedabad Samay

T20 વલર્ડ કપ ઓસ્ટ્રેલિયાએ કર્યું કબજે, શાનદાર પ્રદશન કરી મેળવ્યો વલર્ડ કપનો તાજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો