October 4, 2026
દેશ

દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની  ૮મી પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની  ૮મી પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેમનું અવસાન ૧૬ ઑગસ્ટ ૨૦૧૮ના રોજ નવી દિલ્હીમાં થયું હતું.

 

“मैं अखिल विश्व का गुरू महान, देता विद्या का अमर दान, मैंने दिखलाया मुक्ति मार्ग, मैंने सिखलाया ब्रह्म ज्ञान।”

 

અટલ બિહારી વાજપેયી (૧૯૨૪–૨૦૧૮) પ્રખર રાજનેતા, દૂરંદેશી નેતા, ઓજસ્વી વક્તા અને સંવેદનશીલ કવિ તરીકે દેશના રાજકીય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રહિત અને જાહેર જીવનમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ વર્ષ ૨૦૧૫માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

તેમના વિચારો, વક્તૃત્વ અને રાષ્ટ્રપ્રેમ આજે પણ નવી પેઢીને પ્રેરણા આપે છે.

 

કવિહૃદય રાજનેતા અટલજી : પત્રકારિતાથી વડાપ્રધાનપદ સુધીની અનોખી સફર..

અટલ બિહારી વાજપેયીનું વ્યક્તિત્વ માત્ર એક રાજકારણી પૂરતું સીમિત નહોતું. તેઓ કવિ, લેખક, પત્રકાર, પ્રખર વક્તા અને પાંચ દાયકાથી વધુ સમય સુધી સંસદીય જીવનમાં સક્રિય રહેલા રાજપુરુષ હતા. તેમનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ ગ્વાલિયરમાં એક સામાન્ય શિક્ષક પરિવારમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હોવા ઉપરાંત કાવ્યપ્રેમી પણ હતા. આ પારિવારિક વાતાવરણનો અટલજીના સાહિત્યપ્રેમ અને કવિહૃદય પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

પિતા-પુત્રે એક જ કોલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો!..

અટલજીના જીવનનો એક રસપ્રદ પ્રસંગ એ છે કે ઉચ્ચ અભ્યાસ દરમિયાન તેઓ કાનપુરની ડી.એ.વી. કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા જોડાયા ત્યારે તેમના પિતા પણ તેમની સાથે કાયદાનો અભ્યાસ કરવા કોલેજમાં જોડાયા હતા. પિતા અને પુત્ર એક જ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી બન્યા હોવાનો આ પ્રસંગ તેમના જીવન સાથે જોડાયેલી અત્યંત રસપ્રદ યાદોમાં ગણાય છે. જોકે અટલજીએ બાદમાં કાયદાનો અભ્યાસ અધૂરો છોડી જાહેરજીવન તરફ વળવાનું પસંદ કર્યું.

રાજકારણ પહેલાં કલમના સિપાહી..

ઘણા લોકોને ખબર નહીં હોય કે અટલજીનું શરૂઆતનું કાર્યક્ષેત્ર પત્રકારત્વ હતું. તેમણે હિન્દી સામયિક ‘રાષ્ટ્રધર્મ’, સાપ્તાહિક ‘પાંચજન્ય’ તેમજ દૈનિક ‘સ્વદેશ’ અને ‘વીર અર્જુન’ સાથે પત્રકાર અને સંપાદક તરીકે કામ કર્યું હતું. દિલ્હી આવ્યા ત્યારે પણ તેઓ ‘વીર અર્જુન’ સાથે જોડાયા હતા. એટલે રાજકીય મંચ ઉપર શબ્દોના જાદુગર બનતા પહેલાં તેમણે અખબારની દુનિયામાં પોતાની કલમને ધાર આપી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીનો ગૌરવપૂર્ણ નાદ..

૪ ઑક્ટોબર ૧૯૭૭ના રોજ, વિદેશમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને હિન્દીમાં સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં થયેલું આ ઐતિહાસિક ભારતીય સંબોધન ભાષા અને રાષ્ટ્રીય ગૌરવની દૃષ્ટિએ આજે પણ યાદ કરવામાં આવે છે.

ત્રણ વખત દેશના વડાપ્રધાન..

અટલજી ત્રણ વખત વડાપ્રધાન બન્યા. ૧૯૯૬માં તેમની પ્રથમ સરકાર માત્ર ૧૩ દિવસ ચાલી, ત્યારબાદ તેઓ ૧૯૯૮માં ફરી વડાપ્રધાન બન્યા અને ૧૯૯૯થી ૨૦૦૪ સુધી સંપૂર્ણ પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી. તેઓ સંપૂર્ણ પાંચ વર્ષની મુદત પૂરી કરનારા પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા.

પાંચ દાયકાથી વધુ સંસદીય સફર..

વાજપેયીનું સંસદીય જીવન પણ અસાધારણ હતું. તેઓ દસ વખત લોકસભા અને બે વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. બલરામપુરથી શરૂ થયેલી તેમની લોકસભાની સફર ગ્વાલિયર, નવી દિલ્હી અને અંતે લખનઉ સુધી પહોંચી. રાજકીય મતભેદો વચ્ચે પણ તેમની વાણી અને સંસદીય મર્યાદાને વિરોધીઓ પણ માન આપતા હતા.

રાજકારણીના હૃદયમાં “કવિ” હમેશાં જીવતો રહ્યો..

વાજપેયીની ઓળખ તેમની કવિતાઓ વિના અધૂરી છે. રાજકીય સંઘર્ષ હોય, પરાજય હોય કે રાષ્ટ્રીય સંકટ—તેઓ ઘણીવાર કવિતાના શબ્દોમાં પોતાની ભાવના વ્યક્ત કરતા. રાજનીતિની કઠોર દુનિયામાં રહીને પણ તેમણે પોતાની અંદરના સંવેદનશીલ કવિને ક્યારેય મરવા દીધો નહોતો. એટલા માટે જ તેઓ માત્ર નેતા નહીં, પરંતુ ‘કવિહૃદય રાજનેતા’ તરીકે પણ દેશની સ્મૃતિમાં જીવંત છે.

પક્ષની સીમાઓને ઓળંગતું વ્યક્તિત્વ..

અટલજીની સૌથી અનોખી વિશેષતા એ હતી કે રાજકીય વિચારધારામાં તીવ્ર મતભેદ હોવા છતાં તેઓ વિરોધી પક્ષના નેતાઓ સાથે વ્યક્તિગત સૌહાર્દ જાળવી શકતા હતા. સંસદમાં તેમની ભાષા આક્રમક કરતાં વધુ તર્કસભર, વ્યંગાત્મક અને મર્યાદાપૂર્ણ રહેતી. આ કારણે ભારતીય રાજકારણમાં તેઓ ‘અજાતશત્રુ’ તરીકે પણ લોકપ્રિય બન્યા.

અટલજીનું જીવન બતાવે છે કે એક પત્રકારની કલમ, એક કવિની સંવેદના, એક વક્તાની વાણી અને એક રાજનેતાની દૃઢતા એક જ વ્યક્તિત્વમાં કેવી રીતે સમાઈ શકે. તેથી જ તેમની પુણ્યતિથિ માત્ર એક પૂર્વ વડાપ્રધાનને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ ભારતીય લોકશાહી, ભાષા, સાહિત્ય અને રાજકીય શિષ્ટતાના એક વિશિષ્ટ યુગને સ્મરણ કરવાનો દિવસ છે.

Related posts

ભારતના ઈતિહાસમાં આવતીકાલે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સતત નવમું બજેટ રજૂ કરશે

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

નાણામંત્રી સીતારમણ દ્વારા રજૂ થયેલા બજેટની મહત્વની બાબતો

Ahmedabad Samay

NCP સાંસદ સુપ્રિયા સુલેએ કર્મચારીઓના હિતમાં એક બિલ રજૂ કર્યું,દરેક કર્મચારીને કામના કલાકો પછી અને રજાના દિવસે કામ સંબંધિત ટેલિફોન કોલ અને ઇમેઇલથી જવાબ આપવું જરૂરી નહિ

Ahmedabad Samay

સતારાના રામભાઉ બોડક દરોજજ ખાય છે ૨૫૦ ગ્રામ પથ્થર, લોકો તેમને પથ્થરવાળા બાબા બોલાવે છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો