રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મોટાં તહેવારોના એક સપ્તાહ પહેલાં રૂ. ૪૦થી ૪૫ની કિલો મળતી ખાંડ રૂ. ૬૫થી ૭૦ની કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાંડ એ રસોડામાં વપરાતી સૌથી જરૂરી અને જીવન જરૂરિયાતની વસ્તુ છે. જોકે, શેરડીનો વપરાશ ઇથેનોલમાં પ્રમાણ માં વધુ થવાની સાઈડ ઈફેક્ટના પગલે ખાંડ ‘મોથી’ બની જતાં તહેવારોમાં મીઠાઈથી લઈને તમામ ખાદ્યસામગ્રી પર એની અસર વર્તાય એવો ઘાટ સર્જાયો છે.
ખાંડના ભાવમાં આવો આકરો ભાવવધારો વર્ષો બાદ જોવા મળ્યો છે અને પરિસ્થિતિ એવી થઇ છે કે ખાંડની આયાત કરવાની તૈયારી કરવી પડી છે. માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ ખાંડ હજુ મોંઘી થઇ શકે છે, જો માંગ અને પુવરઠા વચ્ચેનો ગેપ ઝડપથી નહીં પૂરાય.
અત્યારે માર્કેટમાં છૂટક અને પેકેટમાં વિવિધ બ્રાન્ડની ખાંડ વેચાઈ રહી છે. એમાંય ખાંડના વિવિધ પ્રકાર પણ હોય છે. ઝીણી ખાંડ, મીડિયમ અને મોટો દાણો એમ અલગ અલગ પ્રકારની ખાંડના ભાવ પણ જુદાજુદા છે. ઝીણી અને મીડિયમ દાણાવાળી ખોડ ૫૫થી ૬૦ રૂપિયે કિલો મળી રહી છે અને એ પણ છૂટકમાં, જ્યારે કે એવી જ ખાંડ જ્યારે કોઈ કંપનીના બ્રાન્ડ સાથે પેકેટમાં વેચાય છે તો એ અત્યારે ૬૫થી ૭૦ રૂપિયે કિલો મળી રહી છે. મોટા દાણા વાળી પ્રિમિયમ ખાંડનો જથ્થો દુકાનોમાં ઓછો જોવા મળી રહ્યો છે અને એ ૭૫ રૂપિયે કિલો સુધી વેચાઈ રહી છે.
સવારની ચાથી લઈને થાળીમાં પીરસાતી વાનગીઓ સુધી અનેક ખાદ્યપદાર્થોમાં ખાંડનો ઉપયોગ થાય છે. એમાંય ગુજરાતી થાળી તો સ્વીટડીશ વિના પૂરી થતી નથી. જેથી ગૃહિણીઓને ખાંડના વપરાશ પર કંટ્રોલ મૂકવો પડી રહ્યો છે. શ્રાવણ સાથે શરૂ થતાં હિન્દુ તહેવારોમાં મીઠાઈઓનો મહિમા અનેરો છે અને દિવાળી સુધી આ ટ્રેન્ડ જોવા મળે છે. ત્યારે મીઠાઈઓના ભાવમાં વધારાની શક્યતાથી અત્યારથી જ બહેનો બજેટની ચર્ચા કરવા લાગી છે. ખાંડ ઉપરાંત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત શાકભાજીના ભાવ પણ વધ્યાં છે અને ગૃહિણીઓ મોંઘવારીથી ત્રાહિમામ થઇ ગઇ છે. હાલ લીલા શાકભાજી સરેરાશ રૂ. ૧૨૦થી ૧૫૦ કિલો પહોંચી ગયા છે.(૩૮.૧૯)
રક્ષાબંધને મીઠાઇઓ મોંઘી થવાના એંધાણ
રક્ષાબંધન પર પેંડા, બરફી, કાજુ કતરી સહિતની મીઠાઇઓની ખરીદી મોટાં પ્રમાણમાં થાય છે અને મીઠાઇઓ ખાંડ વિના અધૂરી રહે છે. ત્યારે આ વર્ષે ખાંડમાં મોંઘવારીની કડવાશના પગલે મીઠાઇઓના ભાવમાં ૧૯થી ૨૦ ટકા સુધીનો ભાવવધારો થઇ શકે એમ વેપારીઓ જણાવી રહ્યા છે. જો ખાંડના ભાવ અંકુશમાં નહીં આવે તો દિવાળીનો તહેવાર પણ મોંઘવારી વચ્ચે જ ઉજવવાનો વારો આવી શકે છે.
