અમદાવાદ | અમદાવાદ સમય
અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ધૂત કારચાલકની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દેવસ્ય સ્કૂલ પાસે ફૂટપાથ પર સૂતેલા લોકોને પૂરપાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે અડફેટે લેતાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પૈકી એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત બાદ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફોર્ચ્યુનર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરી નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થઈ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અકસ્માત સર્જનાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં ફૂટપાથ પર નિરાંતે સૂઈ રહેલા ત્રણ લોકો કારની અડફેટે આવી ગયા હતા. અકસ્માતની ગંભીરતાને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન એક મહિલાએ દમ તોડ્યો હતો. અન્ય બે ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સમગ્ર મામલે આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિતની સંબંધિત કલમો હેઠળ વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર નશામાં વાહન ચલાવતા લોકોના કારણે નિર્દોષ નાગરિકોની સુરક્ષા સામે ઊભા થતા ગંભીર સવાલો ઊભા કર્યા છે. રસ્તા પર વાહન ચલાવતી વખતે બેદરકારી અને નશાની હાલતમાં ડ્રાઇવિંગ કેટલું જીવલેણ સાબિત થઈ શકે છે, તેનું આ ઘટના ગંભીર ઉદાહરણ છે.
