નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ધમધમાટ આજે સાંજે સમાપ્ત થઈ જશે. બંને રાજ્યોમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મેઘાલય વિધાનસભાની કુલ 60 બેઠકો અને નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે મતદાન થશે. પ્રચારના છેલ્લા દિવસે મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષોએ પૂરજોશમાં કામે લાગી ગયા છે. આ પહેલા ગઈકાલે ભાજપ વતી પીએમ મોદીએ મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રચાર કર્યો હતો. તેમણે રેલીઓને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને ભાજપના શાસનની સરખામણી કરી હતી.
મેઘાલયમાં 60 બેઠકો પર 375 ઉમેદવારો
27 ફેબ્રુઆરીએ યોજાનારી મેઘાલય વિધાનસભાની 60 બેઠકો માટે 375 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 57 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) એ 47 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે VPP અને HSDP એ અનુક્રમે 18 અને 11 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તમામ પક્ષો પોતાના સ્તરે ચૂંટણી લડી રહ્યા છે.
નાગાલેન્ડમાં 59 બેઠકો પર ચૂંટણી, 183 ઉમેદવારો
નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે કુલ 183 ઉમેદવારો મેદાનમાં છે અને તેમાંથી માત્ર ચાર મહિલાઓ છે. એક બેઠક પર, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર કાઝેટો કિનીમીએ ઝુનહેબોટો જિલ્લાની અકુલુટો વિધાનસભા બેઠક પર ચૂંટણી લડ્યા વિના જીત મેળવી છે. કિનીમી સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જીત્યા. સત્તાધારી NDPP 40 બેઠકો પર, ભાજપ 20 પર, કોંગ્રેસ 23 પર જ્યારે NPF 22 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 15 બેઠકો પર લોક જનશક્તિ (એલજેપી-રામ વિલાસ), એનપીપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 12-12 બેઠકો પર અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ) નવ બેઠકો પર, જનતા દળ (યુનાઈટેડ) સાત બેઠકો પર, રાષ્ટ્રીય જનતા દળ ત્રણ અને સીપીઆઈ અને રાઇઝિંગ ધ પીપલ્સ પાર્ટી એક-એક સીટ પર ચૂંટણી લડી રહી છે.