કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતા ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી એવા સમયે ટ્રેકટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા જયારે પરિસરથી ૧૫૦ મીટરના અંતર પર સ્થિત જંતર-મંતરમાં ખેડૂતોની સંસદ ચાલી રહી છે.
ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ખેડૂતોને જે સંદેશ છે, અમે તેને સંસદ સુધી લાવ્યા છીએ. ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે તેથી અમે ટ્રેકટર લઈને આવ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, સંસદમાં આ વિષય પર ચર્ચા નથી કરવા દેવામાં આવતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્ર સરકારે કાયદા પરત લેવા પડશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર અનુસાર ખેડૂતો ખૂબ ખુશ છે અને જે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો આતંકવાદી છે. પરંતુ હકીકતમાં ખેડૂતોનો હક છીનવી લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સંસદમાં ખેડૂતોનો લાવ્યો છું. તેઓ (સરકાર) ખેડૂતોનો અવાજ દબાવી રહ્યા છે અને સંસદમાં ચર્ચા નથી થવા દેતા.
તેમને આ કાળા કાયદાઓને હટાવી દેવા પડશે. સમગ્ર દેશ જાણે છે કે આ કાયદો બે-ત્રણ મોટા કારોબારીઓના પક્ષમાં છે. નોંધનીય છે કે, રાહુલ જે ટ્રેકટર ચલાવી રહ્યા હતા તેની પર તેમની સાથે રાજયસભા સભ્ય દીપેન્દ્ર હુડ્ડા, પ્રતાપસિંહ બાજવા અને પાર્ટીના કેટલાક અન્ય સભ્યો બેઠા હતા