IPL 2023 ની 47મી મેચ ગુરુવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 166 રન જ બનાવી શકી હતી. KKRએ આ મેચ પાંચ રનથી જીતીને 2 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે નીતીશ રાણાની કપ્તાનીવાળી ટીમે પ્લેઓફની આશા જીવંત રાખી છે.
પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર નથી
કોલકાતા ભલે આ મેચ જીતી ગયું હોય પરંતુ પોઈન્ટ ટેબલમાં તેની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. કોલકાતાએ આઈપીએલ 2023માં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી તેણે 4માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. 8 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે. હૈદરાબાદે અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી માત્ર ત્રણ મેચ જીતી છે અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે. 6 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે.
ગુજરાત ટોચ પર છે
હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ બીજા નંબર પર છે. આ સિવાય માહીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા નંબર પર છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ 11-11 પોઈન્ટ ધરાવે છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ક્રમશઃ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નંબરે છે. રાજસ્થાન, બેંગ્લોર, મુંબઈ અને પંજાબના 10-10 પોઈન્ટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 8મા નંબર પર છે. જ્યારે આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા નંબરે અને દિલ્હી કેપિટલ્સ દસમા નંબરે છે. કોલકાતાના 8 પોઈન્ટ છે જ્યારે હૈદરાબાદ અને દિલ્હીના 6-6 પોઈન્ટ છે.