દેશમાં આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની સાથે રોકાણનું વાતાવરણ પણ સુધરતું દેખાઈ રહ્યું છે. આ સાથે દેશમાં મૂડી રોકાણમાં પણ ઝડપી તેજી આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. દેશમાં રોકાણની ગતિવિધિઓમાં તેજી આવી રહી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી રોકાણ 80 ટકાથી વધુ વધીને રૂ. 1.71 લાખ કરોડ થવાનો અંદાજ છે. ભારતીય રિઝર્વ બેંકના બુલેટિનમાં પ્રકાશિત લેખમાં આ વાત કહેવામાં આવી છે.
આ લેખ ગુરુવારે પ્રકાશિત કરવામાં આવ્યો છે. શ્રેયા ભાન, રાજેન્દ્ર એન ચવ્હાણ અને રાજેશ બી કેવડિયા દ્વારા લખાયેલ આ લેખમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ક્ષેત્રની ક્ષમતાના ઉપયોગમાં સુધારો, ક્રેડિટ માંગમાં વધારો અને ગ્રાહક સેન્ટિમેન્ટમાં સુધારાથી મૂડીગત વ્યયને સમર્થન મળી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓ અને બેંકો બંનેના વહીખાતાને વ્યવસ્થિત કરીને ધિરાણની પ્રવૃત્તિઓમાં તેજી આવી છે.
રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે લેખમાં જે વિચારો વ્યકત કરવામાં આવ્યા છે, તે લેખકોના છે અને તે આરબીઆઈના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. લેખમાં કહેવામાં અવાયું છે કે, “જે પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે, એમાં લાગનારી મૂડીના આધારે એવું જાણવા મળ્યું છે કે મૂડી ખર્ચ 2023-24માં નોંધપાત્ર રીતે વધીને 1,71,568 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે, જે 2022-23માં 94,876 કરોડ રૂપિયા હતો.”
નાણાકીય વર્ષ 2022-23માં પ્રોજેક્ટની કુલ કિંમતમાં 60 ટકા હિસ્સો ધરાવતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યું. આમાં વીજળી, ટેલિ કોમ્યુનિકેશન્સ, પોર્ટ અને એરપોર્ટ, સ્ટોરેજ અને વોટર મેનેજમેન્ટ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ, ઔદ્યોગિક, બાયો ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પાર્ક્સ અને રસ્તાઓ અને પુલોનો સમાવેશ થાય છે.
લેખમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા નાણાકીય વર્ષમાં માળખાકીય સુવિધાઓ સિવાય, ધાતુઓ અને ધાતુના ઉત્પાદનો, બાંધકામ, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોનો પણ પ્રોજેક્ટના કુલ ખર્ચમાં સારો હિસ્સો હતો.