September 21, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

‛ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા. તેમના સ્વાગત અને સન્માનમાં આયોજિત ‘સિંદૂર સન્માન યાત્રા’ એક ઐતિહાસિક વિજયોત્સવમાં પરિવર્તિત થઈ ગઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં ઉમટેલી નારીશક્તિ સહિત પ્રચંડ જનમેદનીએ વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન કર્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ ભવ્ય સન્માન યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ જોડાયા હતા, જેઓએ જનમેદનીનો ઉત્સાહ વધાર્યો હતો. આ રોડ શો સ્વરૂપની ‘સિંદૂર સન્માન યાત્રા’ના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર લહેરાતા ત્રિરંગા,

વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ અને ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઊર્જાવાન અને મનમોહક બનાવી દીધું હતું. આ યાત્રા ખરા અર્થમાં એક મહાઉત્સવમાં પરિણમી હતી.સ્વર્ણિમ પાર્ક (અભિલેખાગાર) થી મહાત્મા મંદિર સુધી યોજાયેલા આ આશરે દોઢથી બે કિલોમીટરના રોડ શો દરમિયાન, વડાપ્રધાનની એક ઝલક જોવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાપ્રધાનનો રોડ શો શરૂ થતાં જ, રૂટ પર હજારો મહિલાઓએ પરંપરાગત પહેરવેશ, લાલ સાડી અને સિંદૂરના શૃંગાર સાથે હાથમાં ત્રિરંગો લઈને ‘મા ભારતીનો જયઘોષ’ કરતા વડાપ્રધાન મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું.
દેશભક્તિના ગીતોના સથવારે આગળ વધી રહેલા ‘ઓપરેશન સિંદૂર’ના પ્રણેતા પર પુષ્પવર્ષા થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ વધુ ઘેરો બનતો જોવા મળ્યો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા અને ‘ઓપરેશન સિંદૂર’ માટે આભાર અભિનંદન વ્યક્ત કરવા માટે ઉમટેલા શહેરીજનોનું અભિવાદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહર્ષ ઝીલ્યું હતું.

આ અંદાજે દોઢથી બે કિલોમીટરના ભવ્ય રોડ શોમાં વિવિધ ૧૫ સ્ટેજ પર દેશપ્રેમની થીમ આધારિત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, ત્રિરંગો, બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલ વિમાનોના ટેબ્લો, દેશભક્તિના ગીતો, ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ/બેનરોના પરિણામે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ‘રાષ્ટ્રપ્રથમ’ની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. વિવિધ ધર્મ, સમાજ, વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આ રોડ શોના સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

આ રોડ શોમાં ‘ઓપરેશન સિંદૂર’ની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાન મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલના કટ આઉટ, સિંદૂર ભરેલો ઘડો, ‘ઓપરેશન સિંદૂર’ની કેપ, શાસ્ત્રીય નૃત્યો, સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવેલા વડોદરાના કલાવૃંદો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ‘સિંદૂર સન્માન યાત્રા’માં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થયા હતા. રોડ શો પૂર્ણ થયા બાદ લોકો દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા, તો ક્યાંક ‘ગરવી ગુજરાત’ની આગવી સંસ્કૃતિ સમા ગરબા રમીને નાગરિકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ વિજયોત્સવ અંતર્ગત પદયાત્રા કરી રોડ શોમાં જોડાયેલા નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ કલેક્ટર ગાંધીનગર મેહુલભાઈ દવેની આગેવાનીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ આ રોડ શોની વ્યવસ્થામાં સહર્ષ જોડાયું હતું.

 

Related posts

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

આવ્યો ભાઇ આવ્યો જનતાનો તહેવાર આવ્યો, જનતાનો તહેવાર એટલે ઇલેક્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો