September 4, 2026
ગુજરાત

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા“શ્રાવણ મહોત્સવ–૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ શહેરમાં ઘણા વર્ષોથી કાર્યરત શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ “શ્રાવણ મહોત્સવ–૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોને નૃત્ય, સંગીત, નાટ્ય, ગાયન તથા અન્ય સર્જનાત્મક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય મંચ પૂરો પાડવાનો હતો. આ આયોજન દ્વારા નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા તેમજ ધાર્મિક ઉપાસનાની સાથે આપણી કલા, સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ વર્ષે શ્રાવણ મહોત્સવનું આયોજન તા. ૧૬-૦૮-૨૦૨૬, રવિવારના રોજ સ્વ. શ્યામપ્રસાદ વસાવડા સામુદાયિક ભવન, ખોખરા ચાર રસ્તા પાસે, ખોખરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ૪.૦૦થી ૮.૦૦ વાગ્યા સુધી યોજાયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, કલાકારો, સહભાગીઓ, સ્વયંસેવકો તથા સમાજજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું.

અકાદમી દ્વારા ચાલુ વર્ષ માટે મંજૂર કરવામાં આવેલી ₹૧,૫૦,૦૦૦/-ની સહાય તથા અગાઉની ₹૫૦,૦૦૦/-ની સહાય મળીને કુલ ₹૨,૦૦,૦૦૦/-નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ અમૂલ્ય સહયોગ બદલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય તથા ગણેશવંદના સાથે કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ તથા અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે પૂર્વ મહાપૌર તથા બાપુનગરના પૂર્વ ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ; બોરીવલી, મુંબઈના પૂર્વ નગરસેવક આદરણીય શ્રી ભાસ્કરરાવ ખૂરસંગે; બોરીવલી, મુંબઈનાં પૂર્વ નગરસેવિકા આદરણીય સૌ. રિદ્ધીતાઈ ભાસ્કરરાવ ખૂરસંગે; નગરસેવિકા શ્રીમતી જયમિતીબેન દવે; નગરસેવક શ્રી નયનભાઈ બ્રહ્મભટ્ટ; નગરસેવિકા શ્રીમતી સોનલબેન સરવૈયા; પૂર્વ નગરસેવિકા શ્રીમતી શિવાની જનેકર તથા પૂર્વ શહેર કારોબારી સભ્ય શ્રી અનિલભાઈ જનેકર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
કાર્યક્રમમાં સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલાકારો દ્વારા મહારાષ્ટ્ર તથા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને રજૂ કરતી ગણેશવંદના, છત્રપતિ શિવાજી મહારાજ અને માવળાઓ આધારિત કૃતિઓ, પોવાડા, લાવણી, ભરતનાટ્યમ, ગુજરાતી અને મરાઠી લોકનૃત્યો, દેશભક્તિ નૃત્ય, ભક્તિગીતો, હનુમાન ચાલીસા, ગાયન, સમૂહનૃત્ય તથા અન્ય વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં “આયા રે તૂફાન”, “માવળી માવળી”, “માય ભવાની”, “શિવકન્યા”, “નટરાજ ઊભા”, “નાગર નંદજીના લાલ”, “અફઝલ વધ વર્ણન” અને “હનુમાન ચાલીસા” સહિત વિવિધ કૃતિઓની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ડખલા મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા સમૂહનૃત્યને પણ ઉપસ્થિત દર્શકોએ ખૂબ વધાવ્યું હતું. કલાકારોની ઉત્સાહપૂર્ણ અને ભાવસભર પ્રસ્તુતિઓએ સમગ્ર કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવ્યો હતો.
શ્રાવણ મહોત્સવના ભાગરૂપે રંગોળી સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા, રસોઈ સ્પર્ધા તથા “મરાઠી સંસ્કૃતિ અને પરંપરા” પ્રશ્નમંજુષા જેવી વિવિધ સ્પર્ધાત્મક, જ્ઞાનવર્ધક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્નમંજુષામાં ૨૬ સ્પર્ધકોએ ૧૩ જોડીઓના સ્વરૂપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને આમંત્રિત મહાનુભાવોના હસ્તે પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારો અને સહભાગીઓને પણ પ્રોત્સાહનરૂપે સ્મૃતિચિહ્ન તથા પુરસ્કાર આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમનું આયોજન અને સંચાલન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. આયોજન સમિતિ, ન્યાસીગણ, વિવિધ ઉપસમિતિઓ, સ્વયંસેવકો, કલાકારો, સહભાગીઓ અને સમાજના સભ્યોએ પરસ્પર સંકલન અને સહકાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાજના અનુભવી વડીલોનું માર્ગદર્શન તથા યુવાનો અને મહિલાઓની ઊર્જાસભર કામગીરી આ આયોજનમાં વિશેષ નોંધપાત્ર રહી હતી.
આ પ્રસંગે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના પદાધિકારીઓ, આમંત્રિત મહાનુભાવો, સમાજના આગેવાનો, કલાકારો, સહભાગીઓ, સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો અને દર્શકો સહિત અંદાજે ૧,૨૦૦થી ૧,૩૦૦ વ્યક્તિઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
શ્રાવણ મહોત્સવ–૨૦૨૬ને સફળ બનાવવામાં સહયોગ આપનાર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર; આમંત્રિત મહાનુભાવો; ધારાસભ્યશ્રીઓ; નગરસેવકશ્રીઓ; વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓના હોદ્દેદારો; સલાહકાર સમિતિ; મરાઠા પંચના વડીલો; મહિલા સમિતિ; યુવા સમિતિ; આયોજન સમિતિના સભ્યો; ન્યાસીગણ; સ્વયંસેવકો; કલાકારો; સહભાગીઓ તથા ઉપસ્થિત તમામ સમાજજનોનો શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
હર હર મહાદેવ!

Related posts

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ  લીધા છે.

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો