જૂનાગઢની ઝાંઝરડા રોડ પર આવેલી ખાનગી શાળા અચાનક જ બંધ કરવાનો સંચાલકોએ નિર્ણય લેતા આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા તેમના વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા આરટીઇ હેઠળ ઝાંઝરડા રોડ પર આવેલ ગાયત્રી પ્રાથમિક શાળામાં 50થી વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ, શાળા સંચાલકોએ આ સ્કૂલને વેચી નાખી હોય, જેથી ગાયત્રી સ્કૂલ બંધ કરી દેવામાં આવી રહી છે. સંચાલકોએ આરટીઇ હેઠળ પ્રવેશ આપેલ 50 જેટલા વિદ્યાર્થીઓને જોષીપરામાં આવેલ યશ સ્કૂલમાં એડમિશન કરાવી દેવાની બાંહેધરી આપી છે.
વાલીઓની રજૂઆત છે કે ઝાંઝરડા વિસ્તારથી જોષીપરા ખૂબ જ દૂર થતું હોય, જેથી તે વાત મંજૂર નથી. ઝાંઝરડા વિસ્તારમાં જ ફરી આરટીઇ હેઠળ કોઈ સ્કૂલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કરવામાં આવે. શાળા સંચાલકોને વાલીઓએ રજૂઆત કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ડીડીઓને રૂબરૂ મળી વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્કૂલની બેન્ચ સહિતનો સામાન ટ્રેક્ટરના માધ્યમથી બીજી જગ્યાએ ફેરવવાની કામગીરી ચાલતી હોવાનો પણ આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે સ્કૂલ સંચાલકોને પૂછવામાં આવતા તેમને ઉડાવ જવાબ આપી દીધો હતો તેમજ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને જો અન્ય સ્કૂલમાં એડમિશન લે તો તેમનો તમામ ખર્ચ સ્કૂલ ભોગવશે ત્યાં સુધીની પણ લાલચ આપી હતી.
પરંતુ વાલીઓને સ્કૂલ સંચાલકો પર ભરોસો ન હોય જેને પગલે વિદ્યાર્થીના વાલીઓ જુનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, શિક્ષણ અધિકારી પાસે ચાર જેટલા જિલ્લાનું ચાર્જ હોય તે હાજર ન હોવાથી અને નાયબ શિક્ષણ અધિકારી આર. વી. રાઠોડ સાહેબને તમામ વાલીઓ દ્વારા રૂબરૂ મળી રજૂઆત કરાતા તેમને બે દિવસમાં આ બાબતે યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો સ્કૂલના સંચાલકો તમારા બાળકોને ભણાવવાની ના પાડે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અન્ય સ્કૂલમાં જવાનો કોઈ સવાલ જ ઊઠતો નથી તમામ લોકોએ પોતાના બાળકોને સ્કૂલ શરૂ થાય ત્યારે ઝાંઝરડા રોડ પરની ગાયત્રી સ્કૂલમાં જ મોકલવાના રહેશે, તેવું જણાવ્યું હતું. બાદમાં વાલીઓને સંતોષકારક જવાબ નાયબ શિક્ષણ અધિકારી પાસેથી મળતા હાશકારો અનુભવ્યો હતો.