છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
બપોરે 1 વાગ્યા પછી ભારે વરસાદની આગાહી, 22 જિલ્લાને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 22 જિલ્લાઓમાં સામાન્યથી ધોધમાર વરસાદ પડી શકે છે. વિભાગ દ્વારા 22 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ બપોરે 1 વાગ્યા પછી ભારે વરસાદ પડવાની વકી છે. જ્યારે આજે અને આવતી કાલે ગુજરાતમાં અરવલ્લી, જુનાગઢ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
આ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી
ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, દ્વારકા, જામનગર, અરવલ્લી, વડોદરા, તાપી, આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની આગાહી છે. આગામી 5 દિવસ સુધી દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં રોકાઈ રોકાઈને વરસાદ પડી રહ્યો છે. બપોરે 1 વાગ્યા પછી અમદાવાદ શહેર અને જિલ્લામાં મધ્યમથી ધોધમાર વરસાદ પડી શકે છે.