શાકભાજીના વધતા ભાવોને કારણે સામાન્ય માણસની થાળીમાંથી ટામેટાં ગાયબ થઈ ગયા છે. ક્યાંક 140 તો ક્યાંક શહેરમાં 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં મળી રહ્યા છે. ટામેટાના ભાવો વધવાને કારણે દેશભરમાં આ મુદ્દે રાજનીતિ પણ થઈ હતી. કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ મેજિકપિને NCCF સાથેના કરાર હેઠળ 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું છે. ઈ-કોમર્સ સ્ટાર્ટઅપ મેજિકપિન કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, સરકાર સમર્થિત ONDC પર નોંધાયેલા પસંદગીના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ટામેટાંનું વેચાણ કરવામાં આવશે. નિવેદન અનુસાર, આ વ્યવસ્થા હેઠળ, ગ્રાહકો મેજિકપિન એપ, પેટીએમ, ફોનપે પિનકોડ અને માયસ્ટોર દ્વારા દિલ્હી-એનસીઆર અને પસંદગીના શહેરોમાં ટામેટાં ખરીદી શકે છે.
ONDC ની મદદથી શક્ય બન્યું
મેજિકપીનના સીઈઓ અને સહ-સ્થાપક અંશુ શર્માએ જણાવ્યું કે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં માત્ર બે દિવસમાં જ 90 થી વધુ પિનકોડ પર 1,000 ઓર્ડર પહોંચાડવામાં આવ્યા છે. NCCF અને ONDC દ્વારા આ પહેલનો હેતુ આ પડકારજનક સમયમાં ગ્રાહકોને મદદ કરવાનો છે. આ પહેલ હેઠળ, ગ્રાહક દર અઠવાડિયે વધુમાં વધુ બે કિલોગ્રામ ટામેટાં ખરીદી શકે છે.
આ કારણે ટામેટાંના ભાવમાં થયો છે વધારો
સમગ્ર દેશમાં હાલમાં ખરાબ હવામાનને કારણે શાકભાજીને તાવ આવી ગયો છે. ટામેટા પહેલાથી જ લાલ હતા ત્યારે હવે ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અન્ય શાકભાજીના ભાવ પણ 200 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. ભૂગર્ભમાં ઉગાડવામાં આવતી ડુંગળી અને આદુ જેવી શાકભાજીને પણ ખરાબ હવામાનનો ફટકો પડ્યો છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અનેક પાકને નુકસાન થયું છે.