ગણેશ ચતૂર્થીની તૈયારીઓ અત્યારથી જ થઈ રહી છે ત્યારે આ મામલે વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 9 ફૂટથી ઉંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે અન્ય કેટલીક બાબતોનો ઉલ્લેખ પણ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.
ગણેશ પ્રતિમાની ઉંચાઈને લઈને વિવાદ થઈ શકે છે. મૂર્તિકારો અને આયોજકો આ જાહેરનામાનો વિરોધ કરે તેવી પણ શક્યતા છે. જો કે, જાહેરનામાનો ઉલ્લઘન કરે તો ફોજદારીનો કેસ પણ નોંધાઈ શકે છે તેમ ઉલ્લેખ કરાયો છે. ભક્તો માટે માટીની મૂર્તિના સ્થાપનમાં 9 ફૂટ સુધીની લિમિટ રાખવામાં આવી છે. જેથી 9 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરી શકાશે.
આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે.
પીઓપી કે ફાયબરની 5 ફૂટથી ઉંચી પ્રતિમાના સ્થાપન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ મંજૂરી સિવાય અન્ય કોઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય.
મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા દિશા નિર્દેશ કરાયો.
ધાર્મિક લાગણી દુભાવતી મૂર્તિઓ બનાવી કે વેચાણ નહીં કરી શકાય.
વડોદરામાં ભાવી ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના પંડાલો અને ઘરોમાં કરવામાં આવે છે. ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ કેટલીક સંસ્થાઓ તેમજ યુવક મંડળ ગ્રુપો દ્વારા કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસના આ જાહેરનામાને પણ અનુસરવાનું રહેશે.