નારી વંદન ઉત્સવ : સરકારી ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું કરાયું અદકેરું સન્માન રાજકોટમાં “મહિલા નેતૃત્વ દિવસ’’ની ઉજવણી કરાઇ હતી જેમાં સકારી ક્ષેત્રે અગ્રેસર મહીલાઓનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૦૧થી ૦૭ ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે. જે અન્વયે ‘‘મહિલા નેતૃત્વ દિવસ’’ની ઉજવણી કરાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું અદકેરું સન્માન કરાયું હતું. રાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત કચેરીના સભા ખંડ ખાતે આયોજિત આ કાર્યક્રમનો દિપપ્રાગટયથી શુભારંભ કરાયો હતો. સરકારી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા મહિલા સરપંચો, મહિલા અધિકારીઓ અને મહિલા કર્મચારીઓનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. આ તકે જિલ્લા પંચાયતના હિસાબી અધિકારીશ્રી વી.ઝેડ. દેસાઈ, આંતરિક અન્વેષણ અધિકારીશ્રી ડી.આર. મુશર, અનુ. જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી આનંદબા ખાચર, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સોનલબેન રાઠોડ, શ્રી સીમાબેન શિંગાળા ઉપસ્થિત રહ્યાં હતાં, તેમ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનીબેન દવેની યાદીમાં જણાવાયું છે.