જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, આગામી તા. પ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારા “રસરંગ લોકમેળા”માં યાંત્રિક રાઇડ્સ માટે વિવિધ કેટેગરીમાં પ્લોટની ફાળવણીની હરરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના હકારાત્મક વલણ સાથે સંપન્ન થયેલી વિવિધ ૪૪ યાંત્રિક પ્લોટની હરરાજીમાં કુલ રૂ. ૧ કરોડ ૪૨ લાખ ૨૨ હજારની બોલી થયેલી હતી. જૂની કલેકટર કચેરી ખાતે મામલતદાર શ્રી કે. એ. કરમટા, શ્રી રુદ્ર ગઢવી, પડધરી મામલતદાર ચુડાસમા તેમજ પ્રાંત ઓફિસના કર્મચારીઓ દ્વારા ૮૬ અરજ્દારોની ઉપસ્થિતિમાં આ હરરાજી યોજાઈ હતી. આ તકે ૪૪ પ્લોટની હરરાજીમાં ઈ કેટેગરીમાં ૬ પ્લોટના રૂ. ૧૭ લાખ ૭૦ હજાર, એફ કેટેગરીમાં ૪ પ્લોટના રૂ. ૭ લાખ ૨૦ હજાર, જી-૧ કેટેગરીમાં ૧૦ પ્લોટના રૂ. ૩૬ લાખ ૩૫ હજાર, જી-૨ કેટેગરીમાં ૧૫ પ્લોટના રૂ. ૪૭ લાખ ૩૧ હજાર તેમજ એચ. કેટેગરીના ૯ પ્લોટના રૂ. ૩૩ લાખ ૬૩ હજારની બોલી થતા તંત્રને કુલ રૂ. ૧,૪૨,૨૨૦૦૦ ની આવક થવા પામી છે. જયારે એ કેટેગરીના ખાણીપીણીના બે પ્લોટના રૂ. ૫ લાખ ૧૦ હજારની આખરી કુલ આવક થઈ હોવાનું લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ શ્રીની યાદીમાં જણાવાયું છે.