કેરળના મલપ્પુરમમાં હમાસના ભૂતપૂર્વ નેતા ખાલેદ મશાલે ઉત્તર કેરળના મલપ્પુરમમાં વર્ચ્યુઅલ રીતે એક સભાને સંબોધિત કર્યાના એક દિવસ પછી કોચીમાં એક ખ્રિસ્તી સંમેલન કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું છે. અહીં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. 36થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ રવિવારે સવારે એર્નાકુલમમાં થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે બ્લાસ્ટ ખૂબ જ શક્તિશાળી હતો અને એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો.
સમયે કન્વેન્શન સેન્ટરમાં કેટલાક યહૂદીઓ પણ હાજર હતા. આવી સ્થિતિમાં શક્ય છે કે આ બ્લાસ્ટ તેમને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોય. એક દિવસ પહેલા, મલપ્પુરમમાં આયોજિત રેલીમાં, હમાસના ભૂતપૂર્વ વડાએ હિંદુત્વ અને યહૂદીઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. આ પછી રેલીનું આયોજન કરનાર સંગઠને પણ કહ્યું હતું કે હમાસ ભારતમાં પ્રતિબંધિત કે આતંકવાદી સંગઠન નથી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી. બ્લાસ્ટ બાદ સ્થાનિક લોકોની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં હાજર ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે કન્વેન્શન સેન્ટરમાં સતત પાંચ વિસ્ફોટ થયા હતા, જેમાંથી એક ખૂબ જોરદાર હતો. ઘટના બાદ કેરળના મંત્રી પી રાજીવ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે પણ આરોગ્ય કર્મચારીઓને તાત્કાલિક હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
NIAની 4 સભ્યોની ટીમ ઘટનાસ્થળે જઈ રહી છે.કોચી બ્રાન્ચ ઓફિસથી રવાના થયેલી NIAની ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે જઈને તપાસ કરશે. કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. વિસ્ફોટ કેવી રીતે થયો અને તેનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ સમયે હોલમાં 2 હજારથી વધુ લોકો હાજર હતા. વિસ્ફોટ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને એક સંમેલન કેન્દ્રમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે NIA અને NSGને પણ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરવા સૂચના આપી છે.
રવિવારે અહીં યહોવાના સાક્ષીઓની પ્રાર્થના સભા થઈ રહી હતી. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 20થી વધુ લોકોને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ દાઝી ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો છે અને મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. જાણવા મળ્યું છે કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે પ્રાર્થના સભા ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળે જ ઘાયલ થયા હતા જ્યારે કેટલાક લોકો મીટિંગ હોલમાંથી ભાગતા સમયે ઘાયલ થયા હતા.