રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી ગયું હતું. કેરળના એર્નાકુલમમાં એક ખ્રિસ્તી પ્રાર્થના સભામાં ત્રણ વિસ્ફોટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટો કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યા હતા.
પોલીસને ઘટના સ્થળેથી વિસ્ફોટમાં વપરાયેલ વાયર, બેટરી અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી. બોમ્બ ટિફિન બોક્સમાં રાખવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
આ તરફ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીથી NSG બોમ્બ સ્ક્વોડને પણ કેરળ મોકલવામાં આવી છે. NSGની આ ટીમમાં બે વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે જેઓ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ કરશે. આ વિસ્ફોટ બાદ જે વીડિયો સામે આવ્યો છે તેમાં દરેક જગ્યાએ માત્ર આગ અને ધુમાડો જ દેખાઈ રહ્યો છે.
વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી. દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે.