સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીનું મંદિર દિવાળીના પાવન અવસર પર ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. ભગવાન શામળિયાના આ પ્રાચીન મંદિરને રંગબેરંગી લાઇટ્સની માળા અને વિશેષ પ્રકાશ વ્યવસ્થાથી એવું સુશોભિત કરવામાં આવ્યું છે કે રાત્રિના સમયે તેની દિવ્યતા અદ્ભુત રીતે નિખરી ઉઠે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.
મંદિરના શિખરો, ગુંબજો અને સમગ્ર પરિસરને પ્રકાશના પર્વને અનુરૂપ ભવ્ય રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે. મંદિરની આસપાસની જગ્યા અને પ્રવેશદ્વાર પર પણ દીવડાઓ અને ઇલેક્ટ્રિક લાઇટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાતાવરણમાં એક અનેરો ઉમંગ અને આધ્યાત્મિક શાંતિ પ્રસરાવે છે. દિવાળીના દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
ભક્તો માત્ર ભગવાનના દર્શન જ નહીં પરંતુ મંદિરની આસપાસ કરવામાં આવેલા રોશનીના ભવ્ય શણગારની મજા પણ માણી રહ્યા છે. આ દિવ્ય પ્રકાશ વ્યવસ્થા ભક્તોને શાંતિપૂર્ણ અને આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે. જે દિવાળીના ઉત્સવને વધુ યાદગાર બનાવે છે
