શાળામાં અભ્યાસ કરતી સગીરાને રસ્તામાં રોકી નરાધમે ₹100 આપ્યા હતા અને બાદમાં પોતાની સાથે બગીચામાં ફરવા લઈ જવાનું કહી પોતાની ભાડાની ઓરડીમાં લઈ ગયો હતો. જે બાદ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી સગીરા હાલ ધોરણ 6 માં અભ્યાસ કરે છે. સગીરા દરરોજ સવારે પોતાના ઘરેથી સ્કૂલે જતી હોય અને બાદમાં પરત આવતી હતી. જોકે ગત 13 મી ઓક્ટોબરના રોજ સવારે આઠ વાગે સગીરા ઘરેથી સ્કૂલે જવાનું કહીને નીકળી હતી. જે બાદ 10:00 વાગ્યે આસપાસ પોતાના ઘરે પહોંચી હતી. સગીરા પોતાની સાથે થોડોક નાસ્તો અને અન્ય ચીજ વસ્તુઓ લઈને ઘરે પહોંચતા પરિવારજનોને તેની પાસે રૂપિયા ક્યાંથી આવ્યા હોય તેની શંકા જતા તેની પૂછપરછ કરી હતી અને તેણે સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી.
સગીરાએ જણાવ્યું હતું કે, તે જ્યારે સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં તેને એક યુવક મળ્યો હતો. જેણે સગીરાને 100 રૂપિયા વાપરવા માટે આપ્યા હતા અને પોતાની સાથે બગીચામાં અને અન્ય જગ્યાઓ પર ફરવાનું કહી લઈ ગયો હતો. જે બાદ તે યુવકે સગીરાને નજીકમાં પોતાની ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં પહેલા તેને અડપલાં કરી બાદમાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા માત્ર 12 વર્ષની હોય અને માસુમ હોવાથી તેની સાથે આરોપીએ ગંદુ કામ કર્યું હોય તેની તેને જાણ જ ન હતી. જોકે તેના પરિવારજનોએ તેને પૂછપરછ કરતા તેણે આ અંગે તમામ બાબતો પરિવારને જણાવી હતી.
આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં પ્રફુલ ઉર્ફે પ્રિન્સ ઠાકોર નામના યુવક સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. વટવા પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરતાં આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને તે પોતાના વતનમાં ભાગી ગયો હોય તેવી જાણ થતા જ ટીમો કામે લગાડી આરોપી ઉત્તર પ્રદેશના મઉ ખાતે પહોંચે તે પહેલા તેને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.
