ભવનાથ તળેટીમાં કવિ સંમેલન યોજાયું; ગુજરાત અને મુંબઈના કવિ-કવયિત્રીઓએ સર્જનાત્મક રજૂઆતો કરી
જૂનાગઢ | ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬
જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલા પ્રેરણા ધામમાં સાહિત્યિક માહોલ વચ્ચે ‘ગઝલ એટલે ગઝલ’ ગ્રુપ દ્વારા ગુજરાત અને મુંબઈના ૭૬ કવિઓની સહિયારી રચનાઓ ધરાવતા ગઝલસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કવિ સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મુંબઈથી આવેલા કવિ-કવયિત્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહેમાનોનું શબ્દોથી સ્વાગત કવિ મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’ દ્વારા કરવામાં આવ્યું હતું. ‘ગઝલ એટલે ગઝલ’ સહિયારા ગઝલસંગ્રહના સંપાદનના વિવિધ તબક્કાઓ અંગે કવયિત્રી પૂર્ણિમાબેન ભટ્ટ ‘શબરી’એ માહિતી આપી હતી.
પુસ્તકનો પરિચય અને તેની સાહિત્યિક વિશેષતાઓ અંગે કવિ ભરત ભટ્ટ ‘તરલ’ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
‘શબ્દ મંથન’નું પણ વિમોચન
આ પ્રસંગે વડોદરાના સર્જક ડૉ. ભાવનાબેન જોષી ‘ચાંદની’ના માઇક્રોફિક્શન વાર્તાસંગ્રહ ‘શબ્દ મંથન’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કવિ ડૉ. ઉર્વીશ વસાવડા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
૩૭ જેટલા કવિઓએ કાવ્યપઠન કર્યું
કવિ હર્ષ પંડ્યા ‘અમીર’ના સંચાલન હેઠળ યોજાયેલા કવિ સંમેલનમાં આશરે ૩૭ કવિઓએ કાવ્યપઠન કર્યું હતું. ગિરનાર તળેટીના આલ્હાદક વાતાવરણમાં ગઝલ અને કાવ્યની રજૂઆતો સાથે સમગ્ર કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓ માટે વિશેષ બની રહ્યો હતો.
જામનગરના શૈલેષ પંડ્યા ‘નિષેશ’ની બે ગઝલનો સમાવેશ
‘ગઝલ એટલે ગઝલ’ સહિયારા ગઝલસંગ્રહમાં જામનગરના કવિ શૈલેષ પંડ્યા ‘નિષેશ’ની બે ગઝલ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે વિવિધ શહેરો અને વિસ્તારોના સર્જકોની રચનાઓને એક જ સંગ્રહમાં સ્થાન મળ્યું છે.
કાર્યક્રમનું સંકલન અને સંયોજન કવિ મહેન્દ્રસિંહ પઢિયાર ‘મરમી’ તથા જૂનાગઢના કવિ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કવિ દિલીપ ધોળકિયા ‘શ્યામ’ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
ગિરનારની તળેટીમાં યોજાયેલા આ સાહિત્યિક કાર્યક્રમમાં ગઝલ, કાવ્ય અને સર્જનાત્મક સાહિત્યનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
