અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં યુવાનોમાં મોબાઇલ ગેમ્સનું વધતું આકર્ષણ જોવા મળી રહ્યું છે, ત્યારે યુવાનો શારીરિક પ્રવૃત્તિ અને રમતગમત તરફ વળે તેમજ સ્વસ્થ અને સશક્ત બને તેવા હેતુથી સ્વરાજ હિન્દ ગ્રુપ દ્વારા Pickleball Season-1નું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના પવિત્ર પાઠ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી પિકલબોલ સ્પર્ધામાં સનાતની હિન્દુ ભાઈઓ, બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતગમતના માધ્યમથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, રમત પ્રત્યેનો રસ અને પરસ્પર જોડાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદ ભાજપ યુવા મોરચાના મહામંત્રી મહર્ષિ પાઠક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
આયોજકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાતિ, પક્ષ અને સંસ્થાના ભેદભાવથી ઉપર ઊઠીને એકતા, સંગઠન અને સામાજિક જોડાણની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. રમતગમતના માધ્યમથી યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે અને સમાજમાં એકતાનો સંદેશ પહોંચે તે દિશામાં આ આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વરાજ હિન્દ ગ્રુપ દ્વારા યુવાનોને મોબાઇલ ગેમ્સના બદલે મેદાની રમતો અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરિત કરવાની સાથે સ્વસ્થ સમાજના નિર્માણ અને સંગઠનની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
