અમદાવાદ: અવકાશ અને ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે નવેમ્બર મહિનાની શરૂઆત એક અદભુત ખગોળીય ઘટના લઈને આવી છે. ટોરીડસ (Taurids) ઉલ્કાવર્ષા દરમિયાન રાત્રિના આકાશમાં તેજસ્વી પ્રકાશના લિસોટા જોવા મળી રહ્યા છે. 6 નવેમ્બરની પરોઢ સુધી આકાશ સ્વચ્છ રહે તો ખગોળપ્રેમીઓ આ મનમોહક નજારો માણી શકશે.
ટોરીડસ ઉલ્કાવર્ષાના મુખ્ય બે પ્રકાર છે, જેમાં દક્ષિણ ટોરીડસ અને ઉત્તર ટોરીડસનો સમાવેશ થાય છે. આ ઉલ્કાવર્ષાની ખાસિયત એ છે કે તેમાં ક્યારેક સામાન્ય ઉલ્કાઓની સરખામણીએ વધુ તેજસ્વી અગનગોળા જોવા મળે છે. આકાશમાં અચાનક ચમકતા આ પ્રકાશપુંજ દિવાળીની આતશબાજી જેવો રોમાંચક અનુભવ કરાવી શકે છે.
શા માટે સર્જાય છે આ અદભુત નજારો?
આ ખગોળીય ઘટના 2P/Encke નામના ધૂમકેતુ સાથે સંકળાયેલી છે. પૃથ્વી જ્યારે આ ધૂમકેતુ દ્વારા અવકાશમાં છોડવામાં આવેલા ધૂળ અને નાના કણોના પ્રવાહમાંથી પસાર થાય છે, ત્યારે આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં ઘર્ષણને કારણે ગરમ થઈ પ્રકાશિત થાય છે. પરિણામે આકાશમાં તેજસ્વી લિસોટા જોવા મળે છે.
ટોરીડસ ઉલ્કાવર્ષાની કેટલીક તેજસ્વી ઉલ્કાઓને લોકપ્રિય રીતે ‘હેલોવીન ફાયરબોલ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉલ્કાઓની ખાસિયત તેમની ધીમી ગતિ અને અસાધારણ તેજસ્વી પ્રકાશ છે. કેટલીક વખત તે અગનગોળા જેવી દેખાય છે અને આકાશના મોટા વિસ્તારને ક્ષણભર માટે પ્રકાશિત કરી શકે છે.
ક્યારે અને ક્યાંથી નિહાળી શકાશે?
ઉલ્કાવર્ષા નિહાળવા માટે મધરાત પછીથી પરોઢ સુધીનો સમય અનુકૂળ માનવામાં આવે છે. ખાસ કરીને શહેરની લાઇટ અને પ્રકાશ પ્રદૂષણથી દૂર આવેલા ખુલ્લા મેદાન કે અંધારાવાળી જગ્યાએથી આ નજારો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આકાશ સ્વચ્છ હોય તો કોઈ ખાસ સાધન કે ટેલિસ્કોપ વિના પણ નરી આંખે ઉલ્કાવર્ષા નિહાળી શકાય છે.
ખગોળપ્રેમીઓ માટે આકાશ તરફ નજર રાખવાની આ એક સુંદર તક છે. જોકે, ઉલ્કાઓની સંખ્યા અને તેજસ્વિતા સ્થળ, હવામાન અને આકાશની સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે.
