‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ ગીત ફરી મોટા પડદા પર માણવાની તક; નરેશ કનોડિયા અને સ્નેહલતાની મેરુ માલણ સુપરહિટ જોડીની યાદો થશે તાજી
ગુજરાતી સિનેમાના સુવર્ણકાળની યાદગાર અને લોકપ્રિય ફિલ્મ ‘મેરુ માલણ’ ફરી એકવાર મોટા પડદા પર પરત ફરવા જઈ રહી છે. વર્ષ 1985માં રિલીઝ થયેલી આ કલ્ટ ક્લાસિક ફિલ્મ 40 વર્ષ બાદ 6 નવેમ્બર, 2026ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે થિયેટરોમાં ફરી રિલીઝ થશે. આ જાહેરાતથી ગુજરાતી ફિલ્મપ્રેમીઓમાં જૂની યાદો તાજી થવાની સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિવંગત અભિનેતા નરેશ કનોડિયાના પુત્ર, અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા તથા અભિનેત્રી મોના થીબાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ફિલ્મની રી-રિલીઝની જાહેરાત કરી છે. વીડિયોમાં બંનેએ ફિલ્મનાં લોકપ્રિય ગીતો ગાઈને ચાર દાયકા જૂની યાદોને જીવંત કરી હતી. ‘જાગ રે માલણ જાગ’, ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ અને ‘તું મારો મેરુ, હું તારી માલણ’ જેવાં ગીતો દ્વારા તેમણે દર્શકોને ફિલ્મની યાદ અપાવી હતી.
હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, તે સમયની આ સુપરહિટ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની આજના સમયના મૂલ્ય પ્રમાણે ગણતરી કરવામાં આવે તો આંકડો રૂ. 100 કરોડથી પણ વધુ થઈ શકે છે. મોના થીબાએ પણ ફિલ્મ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આવી ફિલ્મો લોકોનાં દિલમાં હંમેશાં જીવંત રહે છે અને ક્યારેય ભુલાતી નથી.
ફિલ્મની વાત કરીએ તો તેનું દિગ્દર્શન મેહુલ કુમારે કર્યું હતું, જ્યારે કાંતિ અશોકે ફિલ્મનાં ગીતો લખ્યાં હતાં. મહેશ-નરેશની સંગીતકાર જોડીએ ફિલ્મનાં ગીતોને યાદગાર સંગીત આપ્યું હતું. ફિલ્મમાં નરેશ કનોડિયા અને સ્નેહલતાની લોકપ્રિય જોડી સાથે ફિરોઝ ઇરાની અને રમેશ મહેતાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ખાસ વાત એ છે કે હિતુ કનોડિયાએ આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો.
ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય’ આજે પણ નવરાત્રિ અને ગરબાના મેદાનોમાં ગુંજતું સાંભળવા મળે છે. અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેએ આ ગીતને પોતાનો સ્વર આપ્યો હતો. ફિલ્મનાં અન્ય ગીતો પણ ગુજરાતી લોકસંગીતના ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે.
40 વર્ષ બાદ ‘મેરુ માલણ’ની રી-રિલીઝ જૂની પેઢી માટે યાદગાર ક્ષણ બની રહેશે, જ્યારે નવી પેઢીને ગુજરાતી સિનેમાના સુવર્ણકાળની એક લોકપ્રિય ફિલ્મ મોટા પડદા પર માણવાની તક મળશે. હવે 6 નવેમ્બરે ફરી એકવાર થિયેટરોમાં ‘મેરુ માલણ’નાં ગીતો અને યાદોનો જાદુ છવાવાની રાહ જોવાઈ રહી છે.
