અમદાવાદ: સોશિયલ મીડિયા પર દલિત વાલ્મિકી સમાજ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે કન્ટેન્ટ ક્રિએટર કૃષ્ણા રાખડીયા (કૃષ્ણા પટેલ) વિરુદ્ધ અમદાવાદ પોલીસ કમિશનર અને SC/ST સેલમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ YouTube, Facebook અને Instagram પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓથી સમગ્ર દલિત વાલ્મિકી સમાજની સામાજિક પ્રતિષ્ઠા અને લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે અરજદાર જયંતિભાઈ મંગાભાઈ વાઘેલાએ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તેમજ કારંજ સ્થિત નાયબ પોલીસ અધીક્ષકની SC/ST સેલ કચેરી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
ફરિયાદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ તથા IT Actની સંબંધિત કલમો હેઠળ FIR નોંધવાની, ધરપકડ કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
અરજદાર દ્વારા સામાજિક સૌહાર્દ જાળવવા, સમાજની ગરિમાનું રક્ષણ કરવા અને બંધારણીય અધિકારોનું જતન કરવા માટે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
હાલ આ મામલે ફરિયાદના આધારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે અને પોલીસ કાર્યવાહી અંગેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
