અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના અમલ વચ્ચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સામાજિક પ્રસંગ દરમિયાન દારૂ અને બિયરની પાર્ટી યોજાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા શરૂ થઈ છે. વીડિયોમાં બિયરના ટીન સાથે મહિલાઓ ડાન્સ કરતી હોવાના તેમજ દારૂ બનાવવાથી લઈને પીવા સુધીનાં દૃશ્યો જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મામલે સરદારનગર પોલીસની ભૂમિકા અને દારૂબંધીના કાયદાના અમલ સામે પણ સવાલો ઊભા થયા છે.
નંદીગ્રામના શિવ બંગલોનો હોવાનો દાવો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સરદારનગરના નંદીગ્રામ વિસ્તારમાં આવેલા શિવ બંગલોનો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર, શિવ બંગલો નંબર 87 ખાતે ગત 15 નવેમ્બરના રોજ ઘરમાં પૂજાના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં અંદાજે 400 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા. આ પૈકી મહારાષ્ટ્રથી આવેલા કેટલાક મહેમાનોએ દારૂની પાર્ટી કરી હોવાની વિગતો સામે આવી છે.
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ થતાં વિવાદ
વાયરલ વીડિયોમાં સામાજિક પ્રસંગ દરમિયાન દારૂ અને બિયરના સેવનનાં દૃશ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બિયરના ટીન સાથે મહિલાઓ ડાન્સ કરતી હોવાના દૃશ્યો પણ ચર્ચામાં છે. દારૂ બનાવવાથી લઈને પીવા સુધીનાં દૃશ્યો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા હોવાના કારણે આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
પોલીસની ભૂમિકા સામે સવાલો
આ મામલે સ્થાનિક પોલીસની પ્રાથમિક પ્રતિક્રિયા અને વીડિયો કયા સ્થળનો છે તે અંગેની સ્પષ્ટતાને લઈને પણ સવાલો ઊભા થયા છે. બીજી તરફ, શિવ બંગલામાં યોજાયેલા પ્રસંગ સાથે વીડિયો જોડાતો હોવાની વિગતો સામે આવતાં પોલીસ તપાસ અને કાર્યવાહી અંગે ચર્ચા શરૂ થઈ છે.
ધારાસભ્ય પાયલબેન કુકરાણીના ફોટા વાયરલ થતાં રાજકીય ચર્ચા
આ સમગ્ર વિવાદ વચ્ચે નરોડાના ભાજપના ધારાસભ્ય પાયલબેન કુકરાણીના પણ પ્રસંગના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મળતી માહિતી મુજબ, પાયલબેન કુકરાણીએ સવારે પૂજાના પ્રસંગમાં હાજરી આપી હતી, જ્યારે વાયરલ થયેલા વીડિયો રાત્રિના હોવાનું જણાવવામાં આવ્યું છે. આથી પ્રસંગમાં તેમની હાજરી અને રાત્રે બનેલી કહેવાતી ઘટના વચ્ચેનો સમયગાળો પણ ચર્ચાનો વિષય બન્યો છે.
આયોજકો તરફથી સ્પષ્ટતા
પ્રસંગ સાથે સંકળાયેલા લોકો તરફથી જણાવાયું છે કે પૂજાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા અને મહારાષ્ટ્રથી આવેલા કેટલાક મહેમાનોએ દારૂનું સેવન કર્યું હતું. આ અંગે સ્પષ્ટતા કરતાં એવું પણ જણાવાયું છે કે યુવાનોએ આવું ન કરવું જોઈતું હતું અને ગુજરાતમાં આ પ્રકારની પાર્ટી યોગ્ય નથી. પોલીસ દ્વારા તપાસ માટે પહોંચવામાં આવતાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.
હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું.
