અમદાવાદ: પંજાબી સુપરસ્ટાર ગાયક દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ આજ રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. આ ભવ્ય સંગીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોન્સર્ટના કારણે મોટેરા અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસના જાહેરનામા મુજબ, 21 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યાથી કોન્સર્ટ પૂર્ણ થાય ત્યાં સુધી કેટલાક માર્ગો પર તમામ પ્રકારનાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
આ બે માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે
- જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો માર્ગ.
- કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ ટી સુધીનો માર્ગ.
આ માર્ગો પર પ્રતિબંધ દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
ટ્રાફિક પોલીસે જાહેર કર્યા વૈકલ્પિક માર્ગો
વાહનચાલકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી અને જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તરફ જઈ શકશે.
જ્યારે કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જઈ શકાશે.
વાહનચાલકો માટે ખાસ સૂચના
દિલજીત દોસાંજના કોન્સર્ટને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધી શકે છે. તેથી વાહનચાલકોએ મુસાફરી શરૂ કરતાં પહેલાં વૈકલ્પિક માર્ગોની જાણકારી મેળવી લેવી અને ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરવું. ખાસ કરીને સ્ટેડિયમ તરફ જવાના માર્ગો પર જતા લોકોએ સમયનું આયોજન કરીને નીકળવું હિતાવહ રહેશે.
