સિહોર (ભાવનગર): ભાવનગર જિલ્લાના સિહોર ખાતે કારડિયા રાજપૂત સમાજ દ્વારા સામાજિક એકતા, સંસ્કાર અને સહયોગની ભાવનાને ઉજાગર કરતો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. સિહોર તાલુકા કારડિયા રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમારોહમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહમાં અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી, સમૃદ્ધ અને સંસ્કારસભર દાંપત્યજીવન માટે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સમૂહલગ્ન જેવા સામાજિક આયોજનથી સમાજમાં એકતા, સહકાર અને સામૂહિક જવાબદારીની ભાવના મજબૂત બને છે. સાથે જ લગ્નપ્રસંગના ખર્ચમાં રાહત મળતાં જરૂરિયાતમંદ પરિવારોને પણ મોટો આધાર મળે છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત શહેરના મહામંત્રીઓ, ભાવનગર મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાજના આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહે સામાજિક એકતા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. નવદંપતીઓના નવા જીવનપ્રવાસની શુભ શરૂઆત નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યા જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
