ભારતીય બોક્સર અમિત પંઘલ નંબર વન બોક્સર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રેન્કિંગમાં બોક્સર પંઘલને તેમની કેટેગરીમાં નંબર વનનો રેન્ક અપાયો છે. તેઓ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના એવા પહેલા બોક્સર છે જે નંબર વન રેન્કિંગ સાથે બોક્સિંગ રિંગમાં ઉતરશે.
2021ની એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમિત પંઘલને 52 કિલોની કેટેગરીમાં ઓલિમ્પિક ચેમ્પિયન જોઈરોવ શાખોબિદિન તરફથી મજબૂત પડકાર મળ્યો હતો. આ મેચ હારી ગયા બાદ પંઘલને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે પંઘલે રેફરીના નિર્ણય પર સવાલ ઉઠાવીને અપીલ કરી હતી. જોકે તેમની અપીલ માન્ય રાખવામાં આવી નહોતી.
શાખોબિદિનને ઓલિમ્પિક માટે પાંચમો રેન્ક મળ્યો છે. આમ આ બંને બોક્સર વચ્ચે ક્વાર્ટર કે સેમિફાઈનલ પહેલા મુકાબલો થશે નહીં. અમિત પંઘલ સિવાય કોઈ પણ ભારતીય પુરુષ બોક્સરને ટોપ પાંચમાં રેન્કિંગ મળ્યુ નથી.
ભારતીય ટોપ ૧૦ સ્થાન મેળવનાર બોક્સર
બીજા બોક્સરોની વાત કરવામાં આવે તો 63 કિલોની કેટેગરીમાં મનીષ કુમાર 18મા ક્રમે , 75 કિલોની કેટેગરીમાં આશીષ કુમાર નવમા અને 91 કિલોની કેટેગરીમાં સતીષ કુમાર નવમા રેન્ક પર છે. મહિલાઓમાં 51 કિલો કેટેગરીમાં મેરિકોમને સાતમું રેન્ક મળ્યું છે. જ્યારે 60 કિલો કેટેગરીમાં સિમરનજીત કૌર ચોથા રેન્ક પર , 69 કિલો કેટેગરીમાં લવલીના બોરગોહેન પાંચમા અને 75 કિલો કેટેગરીમાં પૂજા રાની આઠમા ક્રમે છે.
કુલ પાંચ ભારતીય બોક્સરોએ ટોપ-10માં પોતાની જગ્યા બનાવી છે.