પેરિસમાં ચાલી રહેલી આર્ચરીના વર્લ્ડ કપ સ્ટેજ 3 ટુર્નોમેન્ટમાં ભારતે રવિવારે 3 ગોલ્ડ મેડલ જીત્યાં છે. પેરિસમાં ચાલી રહેલી આર્ચરીના વર્લ્ડ કપમાં સિદ્ધી મેળવી છે. ટુર્નોમેન્ટમાં દેશને નામે અત્યાર સુધી 4 સુવર્ણ ચંદ્રક આવ્યાં છે. દીપિકા કુમારીએ એક દિવસમાં દેશને 3 ગોલ્ડ મેડલ અપાવ્યાં છે.
આ પહેલા તેમના પતિ અતનુ દાસની સાથે મળીને મિક્સ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું. આ પતિ-પત્નીની જોડીએ ઓલિમ્પિક માટે પહેલેથી જ ક્વોલિફાઈ થઈ ચૂકી છે. ત્યાર બાદ દીપિકાની આગેવાનીમાં ભારતીય મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યું. ટીમ ઈવેન્ટમાં ભારતે મેક્સિકોને 5-1 થી સરળ પરાજય આપ્યો. ભારતીય ટીમમાં દીપિકાની ઉપરાંત અંકિતા ભગત અને કોમોલિકા બારી પણ સામેલ હતા.
દિવસ પૂરો થયા સુધીમાં દિપિકાએ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમાં તેણે રશિયાની એલિના ઓસિપોવાને 6-0 થી પરાજય આપ્યો. એક દિવસમાં ત્રણ ગોલ્ડ જીતનાર દીપિકા પાસેથી ઓલિમ્પિકમાં પણ સારા પ્રદર્શનની આશા છે. આ વર્ષે ટોકિયો ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાવાની છે.