September 28, 2026
દેશરાજકારણ

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટે 53.47 લાખ કરોડ રૂપિયાનું ભવ્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ગત વર્ષ કરતા અંદાજે 5.5 ટકા મોટું છે. જોકે, આ આંકડાઓની પાછળ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? સરકારના આંકડાઓ મુજબ, આ ખાધ પૂરી કરવા માટે દેશ ફરી એકવાર મોટા પાયે ઉધારી (લોન) પર નિર્ભર રહેશે.
ક્યાંથી થશે કમાણી?

બજેટ દસ્તાવેજ અનુસાર, વર્ષ 2026-27માં કેન્દ્ર સરકારને કુલ 44 લાખ કરોડ રૂપિયાની ટેક્સ આવક થવાની અપેક્ષા છે. જોકે, તેમાંથી 15.26 લાખ કરોડ રૂપિયા રાજ્યોને તેમના હિસ્સા પેટે આપી દેવામાં આવશે. આમ, રાજ્યોનો હિસ્સો આપ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે ચોખ્ખી ટેક્સ આવક 28.66 લાખ કરોડ રૂપિયા બચશે. આ ઉપરાંત, વ્યાજની કમાણી અને સરકારી કંપનીઓના ડિવિડન્ડ દ્વારા 6.66 લાખ કરોડની બિન-ટેક્સ આવક થશે. આમ, સરકારની કુલ કુલ કમાણી 35.33 લાખ કરોડ રૂપિયા થશે. જેમાં આવકવેરો (14.66 લાખ કરોડ) અને GST (10.19 લાખ કરોડ) મુખ્ય સ્તંભ રહેશે.

ઉધારીનું ગણિત: દેવામાં 1 લાખ કરોડનો વધારો
સરકારની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત પૂરો કરવા માટે સરકાર 16.95 લાખ કરોડ રૂપિયાનું દેવું કરશે. ગત વર્ષે (2025-26) આ આંકડો 15.58 લાખ કરોડ હતો, એટલે કે એક જ વર્ષમાં સરકારની ઉધારીમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. સરકારની કમાણીના દરેક 1 રૂપિયામાં 24 પૈસા ઉધારીના હશે. આ દેવું મુખ્યત્વે ઘરેલું બજારમાંથી સરકારી બોન્ડ દ્વારા લેવામાં આવશે, જ્યારે અંદાજે 15 હજાર કરોડ રૂપિયા વિદેશથી લોન લેવાશે.

દેવું ઘટાડવાનો માસ્ટર પ્લાન અને ફિસ્કલ ડેફિસિટ
બજેટમાં સરકારે દેવું ઘટાડવાની વ્યૂહરચના પણ રજૂ કરી છે. સરકારનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં દેશના કુલ દેવાને જીડીપીના 50 ટકા સુધી લાવવામાં આવે. હાલમાં આ દેવું જીડીપીના 56.1 ટકા છે, જેને 2026-27માં ઘટાડીને 55.6 ટકા કરવાનું લક્ષ્ય છે. તેવી જ રીતે, રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ) ને જીડીપીના 4.4 ટકાથી ઘટાડીને 4.3 ટકા પર લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

આમ, બજેટ 2026નું સમગ્ર મોડેલ ત્રણ બાબતો પર ટકેલું છે: ટેક્સ અને GST દ્વારા સ્થિર આવક, વિકાસ માટે બજારમાંથી મોટી ઉધારી અને ધીમે ધીમે રાજકોષીય ખાધને અંકુશમાં લેવાના પ્રયાસો. ટૂંકમાં, સરકારની તિજોરીમાં ભલે 35 લાખ કરોડ હોય, પણ વિકાસની ગતિ જાળવવા સિસ્ટમ આવતા વર્ષે પણ દેવા પર નિર્ભર રહેશે.

(7:44 PM IST)

Related posts

સી.આર. પાટીલનું ખાનપુર થી ઉમેદવારોને સંબોધન

Ahmedabad Samay

મ્યુકોરમાઈકોસિસને મહામારી તરીકે જાહેર કરવા માટેની તાકીદ કરી છે.

Ahmedabad Samay

જાણીતા સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી બન્નાજી ગોવિંદાચાર્યનું નિધન

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

કોંગ્રેસે કેટલીક બેઠકો પર AAP ને ભારે નુકસાન પહોંચાડ્યું

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો