મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત આત્મનિર્ભર સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ધીરાણ વિતરણ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે, નાનામાં નાના માનવીની સમસ્યાનું સમાધાન કરીને તેને વિકાસની મુખ્યધારામાં લાવવાનો આ સરકારનો નિર્ધાર છે.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, ગુજરાતમાં પોલીસદળ પોલીસ ફોર્સ તરીકે નહીં પણ પોલીસ સર્વિસ તરીકે સેવારત રહી કલ્યાણકારી અભિગમોથી વડાપ્રધાન અંત્યોદય ઉત્થાનની ભાવનાને સાકાર કરે છે.
અમદાવાદના સાયન્સસિટીના પ્રદર્શન ખંડ ખાતે ૪૦૦૦ જેટલા સ્ટ્રીટ વેંડર્સને પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત ધીરાણ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી, અમદાવાદના ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
તેઓના હસ્તે કેટલાક પ્રતિનિધિ લાભાર્થીઓને ધીરાણના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નિર્માણ પામતી દરેક યોજનામાં નાનામાં નાના માણસને કેવી રીતે ઉપયોગી બની શકાય તેનો વિચાર કરવામાં આવે છે.
કોરોનાકાળમાં રસીકરણની સાથોસાથ ઉદ્યોગો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નાના વેપારીઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર સ્વનિધિ યોજના દ્વારા નાના વેપારીઓને જરૂરિયાતના સમયે યોગ્ય રીતે ધીરાણ ઉપલબ્ધ કરાવવાની સાથે તેમને વ્યાજખોરીમાં ફસાતા બચાવ્યા છે.
આ યોજના થકી ધીરાણ મેળવી અનેક લોકોની ગીરવે મુકાયેલી જમીન, મકાન અને મહામુલા મંગળસૂત્ર પરત મળ્યા છે. તેમણે કહ્યું કે, સમયે-સમયે આવતી આર્થિક સંકળામણોને હળવી કરવા નાગરિકોએ નિઃશુલ્ક અનાજ, આરોગ્ય માટે આયુષ્યમાન યોજના, વિધવા અને વૃદ્ધ પેંશન સહાય સહિતની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ.
તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, અમૃતકાળનું ₹ 3 લાખ કરોડથી વધુનું બજેટ અત્યારસુધીનું સૌથી મોટું બજેટ છે. આ જનહિતકારી બજેટથી છેવાડાના માનવીને વિકાસના લાભ મળે તેવો સરકારનો પ્રયાસ છે. જેમાં આયુષ્યમાન યોજનાનું કવર ₹ ૫ લાખથી વધારી ₹ ૧૦ લાખ કરવા માટે પણ જોગવાઈ કરી છે. આવનારા પાંચ વર્ષમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે પાંચ સ્તંભો પર બજેટ રજૂ કરાયું છે.
સૌના સાથ, સૌના વિકાસ અને સૌના પ્રયાસથી ગુજરાતને આગળ વધારીએ તેવો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસ નાગરિકોના સુખ-દુઃખમાં હંમેશા સાથે ઉભી રહે છે. તેમણે કહ્યું કે, લોકો વિવિધ કારણોસર જરૂરિયાતના સમયે ઊંચું વ્યાજ વસૂલતા લોકો પાસેથી મજબૂરીવશ ધિરાણ લેતા હોય છે. અને બાદમાં વ્યાજખોરીની ચૂંગાલમાં ફસાય છે.
આવી જ રીતે રાજ્યના હજારો લોકો કોરા ચેક અને સ્ટેમ્પ પર સહી કરી દેતા હોય છે. આવા લોકોને રૂપિયા માટે જીવનભરની બચત, જમીન, મકાન અને મહિલાઓએ સુહાગની નિશાની એવા મંગલસૂત્રને ગીરવી મુકવા પડે છે. આવા પીડિતોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી બહાર કાઢી નવી દિશા અને ઉર્જા આપવાનું કામ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થયું છે.
હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, પોલીસ અમારું સાંભળશે કે નહીં, મદદ કરશે કે નહીં.
જરૂરિયાતમંદ લોકોના મનમાં રહેલી આવી માન્યતાઓને તોડતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ લોકો વચ્ચે પહોંચ્યા અને તેમને સમજાવી તકલીફમાંથી બહાર લાવ્યા છે. વ્યાજ અને વ્યાજખોરોના દુષણને ડામવા અત્યાર સુધીમાં ૩,૫૦૦ લોક દરબાર આયોજિત કરવામાં આવ્યા છે.
જેમાં મુખ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્યોએ પોલીસની સાથે રહીને પીડિતોની ફરિયાદો સાંભળી. ત્વરિત પગલાં ભરતા પોલીસે અત્યારસુધીમાં ૧૦૦૦ જેટલા ગુનેગારોને પકડ્યા જેમાંથી ૨૭ પર PASA અંતર્ગત કાર્યવાહી કરાઈ છે.
તેમણે કહ્યું કે, પોલીસ લોકોને માત્ર વ્યાજના દૂષણ માંથી બહાર નથી લાવી પરંતુ જરૂરિયાતવાળા ૧૩,૮૦૦ લોકોને ₹ ૯૭ કરોડનું ધિરાણ અપાવવામાં મદદરૂપ પણ બની છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં માત્ર અમદાવાદ શહેરમાં જ ૪૦૦૦થી વધુ લોકોને ધિરાણ આપવામાં આવ્યું છે.
આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેન્ક અધિકારીઓનો આભાર માની તેમણે સમગ્ર પોલીસ વિભાગને અભિનંદન આપ્યા હતા.
સ્વાગત સંબોધનમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય વાસ્તવે જણાવ્યું કે, સંવેદનશીલ ગુજરાત સરકારના નેતૃત્વમાં છેવાડાનો માનવી સન્માનસભર જીવન જીવી શકે એ દિશામાં આ મહત્વનું પગલું છે, બેફામ વ્યાજ વસુલતા વ્યાજખોરો અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પોલીસ એક મજબૂત દીવાલ બનીને ઉભી છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી અને ગૃહરાજય મંત્રીએ પોલીસને એક ફોર્સની સાથે એક સર્વિસ બનાવવાનું લક્ષ્ય છે. નિયમ અનુસાર ધિરાણ મળે અને વ્યાજખોરીમાંથી પીસાતી જનતાને બહાર લાવી અમદાવાદ પોલીસે લોકોને સેવા, સુરક્ષા અને શાંતિનો અહેસાસ કરાવ્યો છે.