મિશન ૨૦૨૨ અને નો-રિપીટ થીયરી અપનાવી આજે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજવામાં આવી હતી. સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ૧૦ કેબીનેટ કક્ષાના અને ૧૪ રાજ્યકક્ષાના પ્રધાનોની આજે બપોરે રાજભવન ખાતે શપથવિધિ કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મંત્રીઓને હોદ્દો તથા ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. મંત્રીમંડળમાં બે મહિલાઓને પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયુ છે. આશ્ચર્યની વાત એ છે કે તમામ સિનીયરોની છૂટ્ટી કરી દેવામા આવી છે અને અગાઉની સરકારના એક પણ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મંત્રીમંડળ થકી સરકાર પ્રજામાં એક નવો સંદેશ આપવા માગે છે.
આજે બપોરે ૧.૩૦ કલાકે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીમંડળમા જ્ઞાતિ સાથે વિસ્તારને પણ ધ્યાને રાખવામાં આવેલ છે. સૌરાષ્ટ્રને ૭ પ્રધાનો મળ્યા છે તો ઉત્તર ગુજરાતને ૩, મધ્ય ગુજરાતને ૫, દક્ષિણ ગુજરાતને ૬ પ્રધાનો પ્રાપ્ત થયા છે. મંત્રીમંડળમાં પાટીદારોનો દબદબો રહેવા પામ્યો છે. કુલ ૨૪ પ્રધાનોએ આજે શપથગ્રહણ કરતા રાજ્યનું મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત ૨૫નું થયુ છે. આજે બપોર બાદ મંત્રીમંડળની એક બેઠક યોજાશે અને તેમા પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે. મંત્રીમંડળમાં ૮ પાટીદારો, ૨ ક્ષત્રિયો, ૬ ઓબીસી, ૨ એસસી, ૩ એસટી અને ૧ જૈન ધારાસભ્યનો સમાવેશ થાય છે. કેબીનેટ મંત્રીઓમાં ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી), રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રૂષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કીરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણ રહેશે. જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનિષા વકીલનો સમાવેશ થાય છે. જ્યારે ૯ રાજ્યકક્ષાના મંત્રીઓ છે. જેમાં મુકેશ પટેલ, નીમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્ર પરમાર, આર.સી. મકવાણા, વિનુ મોરડીયા, દેવા માલમનો સમાવેશ થાય છે. (૨-૨૩)
સાંજે કેબિનેટની મિટીંગઃ ખાતાઓ ફાળવાશેઃ સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામુ
અમદાવાદઃ આજે બપોરે મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ સાંજે કેબિનેટની મિટીંગ મળશે અને તેમાં પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવશે તેવું જાણવા મળે છે. વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજીનામુ આપી દીધુ છે અને તેઓ મંત્રીમંડળમાં જોડાયા છે. નવા સ્પીકર તરીકે નીમાબેન આચાર્ય બને તેવી પૂરેપૂરી શકયતા છે.
ભાજપ ઇલેકશન મોડમાં: ૬૦ જેટલા ધારાસભ્યોનું પત્તુ કપાવાની શકયતા
અમદાવાદઃ ભાજપ હાલ ઇલેકશન મોડમાં હોય તેવું જણાય છે. ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષે જોરશોરથી તૈયારી કરી છે. ભાજપ પોતાના ૬૦ જેટલા બિન લોકપ્રિય અને નિષ્ક્રીય રહેલા ધારાસભ્યોને ટિકીટ નહીં આપે તેવું જાણવા મળે છે. તેવું પણ જાણવા મળે છે કે, પક્ષ ટિકીટ આપવામાં ફુંકી-ફુંકીને પગલા ભરશે. એટલું જ નહીં અનેક સિનીયર પ્રધાનોનું પત્તુ કાપવામાં આવે તેવી શકયતા છે.
ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી (૧૦+૧)
ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ઘાટલોડીયા
રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
રાદ્યવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
જીતુ વાદ્યાણી, MLA, ભાવનગર પશ્યિમ
ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્યિમ
નરેશ પટેલ, MLA, ગણદેવી
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
કનુ દેસાઇ, MLA, પારડી
રાજયકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) (૦૫)
હર્ષ સંદ્યવી, MLA, મજૂરા
જીતુ ચૌધરી, MLA, કપરાડા
જગદીશ પંચાલ, MLA, નિકોલ
મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
બ્રિજેશ મેરજા, MLA, મોરબી
રાજયકક્ષાનાં મંત્રી (૦૯)
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
કિર્તી સિંહ વાદ્યેલા, MLA, કાંકરેજ
વિનુ મોરડિયા, MLA, કતારગામ
દેવાભાઈ માલમ, MLA, કેશોદ
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
આર.સી મકવાણા, MLA, મહુવા